માછીલ સેક્ટરમાં ત્રણ આતંકીઓ ઠારઃ હાજિનમાં આર્મી કેમ્પ પર આતંકી હુમલો

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નાકામિયાબ બનાવ્યો છે. ભારતીય સરહદમાં ઘૂસવાની કોશિશ કરી રહેલા ત્રણ આતંકવાદીઓને અથડામણ દરમિયાન ઢાળી દીધા છે. એલઓસી પર માછીલ સેક્ટરમાં સુરક્ષા દળોએ ફરી એકવાર આતંકીઓના નાપાક ઈરાદાઓને નેસ્ત નાબૂદ કર્યા હતા. આજે સવારે ભારતીય સરહદમાં ઘૂસવાની કોશિશ કરતા સેનાએ ત્રણેય આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

દરમિયાન જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના હાજિનમાં મંગળવારે મોડી રાત્રે આતંકીઓએ આર્મી કેમ્પ પર હુમલો કર્યો હતો. ૧૩ રાષ્ટ્રીય રાઇફલ્સ અને હાજિન પોલીસ સ્ટેશનની બંને બાજુુથી લગભગ ચારથી છ આતંકીઓ આવ્યા હતા અને આર્મી તેમજ પોલીસ બંને પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આતંકીઓએ અન્ડર બેરલ ગ્રેનેડ લોન્ચરથી આઠ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુું.

મીડિયા રિપોર્ટ અનુસાર આતંકીઓએ પોલીસ સ્ટેશનને પણ નિશાન બનાવ્યું હતું. આર્મીએ જોકે તાત્કાલિક મોરચો સંભાળી લીધો હતો અને જડબેસલાક જવાબ આપતાં આતંકીઓ ફરાર થઇ ગયા હતા. આતંકીઓના આ હુમલામાં બે જવાન ઘાયલ થયા હતા.

અહેવાલો અનુસાર આતંકીઓઅે સૌ પહેલાં આર્મી કેમ્પના દરવાજા પર કેટલાય ગ્રેનેડ ફેંકયા હતા અને ત્યાર બાદ ફાયરિંગ શરૂ કર્યું હતું, પરંતુ આર્મીએ સતર્કતા દાખવીને વળતો જવાબ આપતાં આતંકીઓએ ભાગી જવું પડયું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે આ આતંકવાદી હુમલો નહોતો. ત્યાર બાદ આર્મીએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને હાલ આ લખાઇ રહ્યું છે ત્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

રમજાનને લઇને સ્થાનિક લોકો ઘરની બહાર હોવાથી સેનાને સર્ચ ઓપરેશનમાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ સમગ્ર વિસ્તાર આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાનો ગઢ માનવામાં આવે છે. અહેવાલો અનુસાર કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ આવતીકાલે કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરવા શ્રીનગર જનાર હોઇ એવામાં આતંકીઓ હુમલા કરીને કાશ્મીરની‌ ‌સ્થિતિને વણસાવવા માગે છે.

ગઇ કાલે સાંજે આતંકવાદીઓએ ઉત્તર કાશ્મીરના હરવાન વિસ્તારમાં આર્મીની એક ગાડીને નિશાન બનાવીને આઇઇડી બ્લાસ્ટ કર્યો હતો. આ ઘટનામાં આર્મીની ગાડીને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે કોઇ ખુવારી થઇ નથી. આ ઘટના સોપોરથી ર૦ કિ.મી. દૂર હરવાનમાં ઘટી હતી. રરમી રાષ્ટ્રીય રાઇફલ્સની આ ગાડી હતી. આ હુમલા માટે આતંકી સંગઠન જૈશ-એ મોહંમદે જવાબદારી સ્વીકારી છે.

You might also like