સીએટલમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરોધી રેલી નજીક ફાયરિંગઃ અનેક લોકો ઘાયલ

સીએટલ: વોશિંગ્ટનના સીએટલ ખાતે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ કાઢવામાં આવેલી રેલીમાં ફાયરિંગ થયાના સમાચાર છે. ડોનાલ્ડ ટ્રમ્પના વિજયથી નારાજ લોકોએ આ રેલી કાઢી હતી અને આ દરમિયાન થયેલા ફાયરિંગમાં કેટલાય લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળે છે. ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યા છે.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજયથી એક મોટો વર્ગ નારાજ છે અને તેથી ઠેરઠેર તેમની વિરુદ્ધ દેખાવો અને રેલીઓ યોજવામાં આવી રહી છે. ગઈ કાલે મતગણતરી દરમિયાન કેલિફોર્નિયામાં પણ ફાયરિંગ થયું હતું, જેમાં એકનું મોત થયું હતું અને ત્રણ ઘાયલ થયા હતા.
સમાચાર એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર અમેરિકન શહેર સીએટલમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસે ટ્વિટર પર એવું જણાવ્યું છે કે તે એ રિપોર્ટની તપાસ કરી રહી છે, જેના અનુસાર દેખાવો અને રેલીના સ્થળ નજીક થયેલા ફાયરિંગમાં અનેક લોકો ઘાયલ થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે આ રેલીના આયોજન અને ફાયરિંગ સાથે કોઈ સીધું કનેકશન છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ વિરોધી રેલીના સમયે ફાયરિંગ થયું હતું. આ દેખાવો ગેસલેક મોલની નજીક યોજાયા હતા. પાછળથી લોકોએ શહેરના માર્ગો પર રેલી કાઢી હતી. આ ફાયરિંગમાં પાંચને ઈજા પહોંચી હોવાના અહેવાલો છે. ઈજાગ્રસ્તો પૈકી બેની હાલત ગંભીર હોવાનું જણાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના ચર્ચાસ્પદ રાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ આખરે પોતાની મંજિલ સુધી પહોંચી ગયા છે. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ઐતિહાસિક વિજય હાંસલ કરીને પોતાના ડેમોક્રેટ હરીફ હિલેરી ક્લિન્ટનને ૨૧૮ સામે ૨૭૬ વોટથી હાર આપી છે.

You might also like