સાન ફ્રાન્સિસ્કોમાં ફાયરિંગઃ શૂટર સહિત ચાર લોકોનાં મોત, બે ઘાયલ

સાન ફ્રાન્સિસ્કો: સાન ફ્રાન્સિસ્કોમાં માલ-સામાન પહોંચાડનારી અમેરિકન પાર્સલ કંપની યુનાઇટેડ પાર્સલ સર્વિસ (યુપીએસ)ના એક સેન્ટર પર એક બંદૂકધારીએ ફાયરિંગ કરીને ત્રણ લોકોની હત્યા કરી હતી અને બેને ઘાયલ કર્યા હતા. જ્યારે બંદૂકધારી હુમલાખોરે પાછળથી પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. સાન ફ્રાન્સિસ્કોના એક્ઝિક્યુટિવ પોલીસ પ્રેસિડેન્ટ ટોની ચેપ્લિને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ બંદૂકધારી હુમલાખોરની ઓળખ થઇ શકી નથી. તેણે પાર્સલ ડિલિવરી સેવાની વરદી પહેરી હતી.

તેેમણે જણાવ્યું હતું કે આ ઘટનાને આતંકવાદ સાથે કોઇ કનેકશન હોવાનું જણાતું નથી. જ્યારે યુનાઇટેડ પાર્સલ સર્વિસના પ્રવકતા સ્ટીવ ગોટે જણાવ્યું હતું કે એક અસંતુષ્ટ કર્મચારીએ જ કંપનીની અંદર ફાયરિંગ કર્યું હતું, જોકે આ ફાયરિંગ કરવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સાન ફ્રાન્સિસ્કો પોલીસે સમગ્ર વિસ્તારને ચોમેરથી કોર્ડન કરી લીધો હતો અને કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે પણ ફાયરિંગ કરનાર શખ્સને વળતો જવાબ આપ્યો હતો. આ ફાયરિંગની ઘટના ૧૭મી સ્ટ્રીટ અને વર્મોન્ટના વિસ્તારમાં ઘટી હતી.

પોલીસે સમગ્ર બિલ્ડિંગને સીલ કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પ્રવકતા બ્રેન્ટ એન્ડ્રુએ જણાવ્યું હતું કે આ ફાયરિંગનો ભોગ બનેલાઓને પ્રિસ્કીલા ચાન અને માર્ક ઝકરબર્ગ સાન ફ્રાન્સિસ્કો જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક ચેનલો દ્વારા જારી કરવામાં આવેલા વીડિયો ફૂટેજમાં પોલીસ દ્વારા કેટલાય લોકોને ઇમારતની બહાર કાઢતાં જોયા હતા. પ્રવકતાના જણાવ્યા પ્રમાણે કેટલા લોકોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે અને તેમની હાલત કેવી છે તે જણાવવા પોતાની અસમર્થતા વ્યકત કરી હતી. પોલીસે લોકોને સુર‌િક્ષત સ્થળે છુપાઇ જવાની સલાહ આપી હતી.
http://sambhaavnews.com/

You might also like