ભાજપ કોઇને અહંકારી નહી થવાની સલાહ આપ્યા કરતા પોતે અમલ કરે: શિવસેના

મુંબઇ : બિહાર ચૂંટણીમાં મળેલા પરાજયમાંથી બહાર આવવાનાં પ્રયાસો કરી રહેલ ભાજપ પર તેનાં સહયોગી દળ શિવસેનાએ એક વધારે વખત પ્રહાર કર્યો હતો. શિવસેનાએ કહ્યું કે ધુર્તતા હંમેશા કામ આવે નહી. જો વચનો પુરા ન કરતો તો સામાન્ય માણસ તો જવાબ આપશે જ. શિવસેનાનાં મુખપત્ર સામનામાં છપાયેલા સંપાદકીયમાં કહેવાયું છે કે ઘણી વાર એક લહેર આવે છે અને જતી રહે છે. એકવાર આ સમય આવ્યો તે પછી તો લહેરનું ક્યાંય નામોનિશાન જોવા મળ્યું નહી. તે સાચું છે કે ભાજપને લોકસભા ચૂંટણીમાં ભારે બહુમતી મળી પરંતુ તે જીતનો શ્રેય કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને જાય છે.
શિવસેનાએ કહ્યું કે રાજનીતિક અખાડામાં કોઇ મજબુત પહેલવાન નહોતો માટે ભાજપ બાહુબલી બનીને ઉભરી આવી. શિવસેનાએ બીજાઓને અહંકાર છોડવાની સલાહ આપનાર ભાજપની મજાક પણ ઉડાવી હતી. ભાજપ પર નિશાન સાધતા શિવસેનાએ કટાક્ષ કર્યો હતો અને કહ્યું કે તેમનાં નેતાઓ મહાન છે અને કોઇ ભુલ થઇ શકતી નથી. આગળ લખે છેકે તેઓ જે કાંઇ પણ કહે છે, તેને સાચુ માનવું જોઇએ. સંપાદકીયમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાજનીતિમાં ધુર્તતા હંમેશા કામ આવે તેવુ નથી.
ઘણા બિન એનડીએ દળોએ બિહાર ચૂંટણીમાં જેડીયુ, આરજેડી કોંગ્રેસનાં મહાગઠબંધનને મળેલ જીતનાં વખાણ કરતા તેને સિદ્ધાંતોની જીત અને ભાજપનાં અહંકારનો પરાજય ગણાવ્યો હતો. સંપાદકીયમાં કહેવામાં આવ્યું કે ભાજપનાં નેતા સુશીલકુમાર મોદીએ એનડીએ પ્રમુખ લાલુ યાદવને સલાહ આપી કે બિહાર ચૂંટણીમાં જીત મળ્યા બાદ અહંકાર છોડી દે. ભાજપ નેતાઓએ બીજાને સલાહ આપવાની જરૂર નથી પરંતુ તેઓએ જ અહંકાર છોડવાની જરૂર છે.

You might also like