શિવપાલના રાજીનામા બાદ સપામાં વિભાજનઃ CM અખિલેશ યાદવની ખુરશી પણ ખતરામાં

લખનૌઃ શિવપાલસિંહ યાદવનું પ્રધાન અને પ્રદેશ અધ્યક્ષપદ પરથી રાજીનામું સમાજવાદી પાર્ટી માટે સૌથી મોટું રાજકીય સંકટ માનવામાં આવી રહ્યું છે. જો સપા નેતૃત્વએ ડેમેજ કન્ટ્રોલ ન કર્યું તો આ બાબત પાર્ટીમાં વિભાજનનું કારણ બની શકે છે. સપાના કેટલાક નેતા અને પ્રધાનો પણ રાજીનામાં આપી શકે છે. ૨૪ વર્ષ જૂની સમાજવાદી પાર્ટીના યાદવ પરિવારમાં બે ભાગ પડવાનો ખતરો પણ તોળાઈ રહ્યો છે.

શિવપાલનાં રાજીનામાની સૂચના મળ્યા બાદ ગઈ કાલે અડધી રાત્રે તેમના નિવાસસ્થાને સેંકડો સમર્થકો જમા થઈ ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યાે. શિવપાલ સપાના પ્રદેશ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે. હાલની સરકારમાં તેઓ સૌથી કદાવર પ્રધાન હતા.

ત્રણ દિવસ પહેલાં સપાના કર્તાહર્તા મુલાયમસિંહે તેમને અખિલેશ યાદવની જગ્યાએ સપાના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા તેના રિએક્શનમાં મુખ્યપ્રધાને શિવપાલ પાસેથી લોકનિર્માણ, સિંચાઈ, મહેસૂલ, સહકારિતા જેવા મહત્ત્વના વિભાગ છીનવી લીધા. આના કારણે શિવપાલ ખૂબ જ દુઃખી હતા. શિવપાલ મુલાયમસિંહની અત્યંત નિકટ છે. તેમના એજન્ડા માટે ઘણાં બધાં કામ કરી રહ્યાં છે. તેઓ પાર્ટીમાં લાંબા સમયથી મુખ્ય ભૂમિકામાં છે. સપાના નેતાઓનું માનવું છે કે સપાની સ્થાપના બાદ પાર્ટીએ ઘણા ઉતાર-ચઢાવ જોયા છે, પરંતુ શિવપાલનાં રાજીનામાથી ઉત્પન્ન થયેલી સંકટ જેવી પરિસ્થિતિ અગાઉ બની નથી.

મુલાયમે સપાની સ્થાપના ૧૯૯૨માં કરી હતી. આ પહેલાં મુલાયમ ૧૯૮૯માં મુખ્યપ્રધાન બન્યા હતા. તેમની સામે પહેલું રાજકીય સંકટ ત્યારે આવ્યું હતું જ્યારે લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં રામમંદિર નિર્માણ માટે યાત્રા નીકળી હતી. મુલાયમ મુખ્યપ્રધાન હતા તે સમયે કારસેવકો પર ગોળીઓ ચાલી હતી, જોકે હાલની વિકટ પરિસ્થિતિ તેનાં કરતાં પણ ગંભીર માનવામાં આવે છે.

શિવપાલનાં રાજીનામા બાદ સપામાં જબરદસ્ત હલચલ છે. પરિવારનો વિવાદ હોવાના કારણે કોઈ પણ વ્યક્તિ ખૂલીને બોલી રહી નથી, પરંતુ શિવપાલના પક્ષમાં કેટલાક નેતાઓનાં રાજીનામાં પણ પડે તેવી શક્યતાઓ છે. શિવપાલ ડાઉન-ટુ-અર્થ વ્યક્તિ છે અને કાર્યકર્તાઓ સાથે જોડાયેલા રહે છે.

શિવપાલસિંહ ઝિંદાબાદ, રામગોપાલને બહાર કરો
શિવપાલ યાદવે રાજીનામું આપતાં સમર્થકોએ ગઈ કાલે મોડી રાતથી જ તેમના ઘરની બહાર સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. કાર્યકર્તાઓ શિવપાલસિંહ ઝિંદાબાદ, રામગોપાલને બહાર કરો જેવાં સૂત્રો પોકાર્યાં. સમર્થકોને સંબોધવા માટે શિવપાલસિંહે બહાર જવું પડ્યું. તેમણે કહ્યું કે નેતાજીનો સંદેશ અમારા માટે આદેશ છે. શિવપાલે કહ્યું કે તમે બધા પાર્ટી કાર્યાલય જાવ અને નેતાજી સામે તમારી વાત રજૂ કરો. આપણે બધા નેતાજીની સાથે છીએ. જે નેતાજીનો આદેશ હશે તે આપણે માનીશું. સમર્થકોએ એક કલાક સુધી સૂત્રોચ્ચાર કર્યા બાદ શિવપાલસિંહે ઘરની બહાર આવીને તમામને શાંત રહેવાની અપીલ કરી. સમર્થકોનો અતિ ઉત્સાહ જોઈને તેમણે કહ્યું કે અમે તમારી સાથે જ છીએ, પરંતુ અત્યારે તમે સૂઈ જાવ અને અમને પણ સૂવા દો. ત્યાર બાદ સમર્થકો ચાલ્યા ગયા અને સવારે ફરી સૂત્રોચ્ચાર શરૂ કર્યા.

રાજીનામું સ્વીકારાયું નહીં, આજે બેઠક
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ અને મુલાયમે શિવપાલનું રાજીનામું ના મંજૂર કરી દીધું છે, આજે મુલાયમસિંહ લખનૌમાં મહત્ત્વની બેઠક યોજવાના છે. બેઠક બાદ તમામ અટકળો પર પૂર્ણવિરામ લાગશે. આ યાદવાસ્થળી પાછળનું સૌથી મોટું કારણ અમરસિંહ મનાય છે. મુલાયમસિંહને અખિલેશેે આદેશ આપ્યાે કે શિવપાલ પાસેથી છીનવાયેલા વિભાગો સાથે તેમને માનપૂર્વક પરત કરે. મુલાયમના કહેવા પર શિવલાલ અખિલેશને મળવા પહોંચ્યા, પરંતુ અખિલેશે પિતાનો આદેશ માનવાનો ઈન્કાર કર્યો. વાત આગળ ન વધતાં શિવપાલ રાજીનામું સોંપીને ૨૦ મિનિટમાં નીકળી ગયા. મુલાયમે પણ પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું. સપા અને મુલાયમ પરિવારમાં ટકરાવ ચરમ સીમાએ પહોંચી ચૂક્યા છે. સમસ્યાઓ નિવારવા માટે શક્ય છે કે હવે મુલાયમ ખૂલીને સામે આવે અને અખિલેશને હટાવીને ખુદ સીએમ પદ સંભાળી લે.

You might also like