શિવમનાં માતા-પિતાએ રપ લાખના વળતરનો દાવો કર્યો

અમદાવાદ: વર્ષ ર૦૧૩માં જજીસ બંગલો રોડ ઉપર થયેલા બહુચકચારી બીએમડબ્લ્યુ ‌િહટ એન્ડ રન કેસમાં મૃત્યુ પામેલા શિવમ્ દવેનાં માતા-પિતાએ મીરજાપુર ગ્રામ્ય કોર્ટમાં અકસ્માત વળતર પેટે રૂ.રપ લાખના વળતરની માગણી કરી છે. કોર્ટે અકસ્માત સર્જનાર આરોપી વિસ્મય શાહ તથા ઇન્સ્યોરન્સ કંપનીને નોટિસ ઇશ્યૂ કરીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

તા. ર૪-૦ર-ર૦૧૩ના રોજ જજીસ બંગલો રોડ ઉપર પુરઝડપે પસાર થતી બીએમડબ્લ્યુ કારે બે બાઇકસવારને અડફેટે લીધા હતા, જેમાં શિવમ્ પ્રેમભાઇ દવે (સાગર એપાર્ટમેન્ટ, બોડકદેવ, વસ્ત્રાપુર), રાહુલ ઘનશ્યામભાઇ પટેલ (શુભ લાભ સોસાયટી, ઘાટલોડિયા) બાઇકસવારનાં મોત થયાં હતાં. આ ઘટનામાં બીએમડબ્લ્યુ કાર હંકારતો વિસ્મય શાહ ઘટનાસ્થળેથી અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો. વસ્ત્રાપુર પોલીસે આ મુદ્દે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જેમાં વિસ્મય વિરુદ્ધમાં સાપરાધ મનુષ્યવધ (૩૦૪ પાર્ટ- ૨) મોટર વિહિકલ એક્ટ હેઠળ ફરિયાદ થઇ હતી.

પોલીસે કરેલી તપાસ ઉપર સવાલો ઊભા થતા તા. ર૭-૦ર-ર૦૧૩ના રોજ વિસ્મય શાહ નાટ્યાત્મક ઢબે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. ૧૩ મહિના સુધી વિસ્મય શાહ જેલમાં બંધ હતો ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ર૦૧૪માં તેને જામીન આપ્યા હતા. આ કેસમાં પોલીસે તા. ૧ર-૦૪-ર૦૧૩ના રોજ ચાર્જશીટ ફાઇલ કરી હતી.

તમામ ડોક્યુમેન્ટ્રી પુરાવાઓ તથા સાક્ષીઓને તપાસતાં નવેક મહિના પહેલાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિસ્મય શાહને પાંચ વર્ષની સજા ફટકારી હતી અને રાહુલ તથા શિવમ્નાં માતા-પિતાને પાંચ-પાંચ લાખ રૂપિયા વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. આ કેસમાં વિસ્મયની કારની અડફેટે મૃત્યુ પામેલા શિવમ્ દવેના પિતા પ્રેમભાઇ અને માતા મંજુબહેન દવેએ મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ એક્ટ પ્રમાણે રપ લાખના વળતરની માગણી કરી છે. થર્ડ પાર્ટી એક્સિડન્ટ ક્લેમ કોર્ટમાં દાખલ કરનાર વકીલ બી.કે. પટેલે જણાવ્યું છે કે શિવમ્નો પગાર રૂ.રર,૦૦૦ હતો, પગારના આધારે સરકારે નક્કી કરેલા ધારાધોરણ મુજબ વળતર રૂ.રપ લાખ થાય છે.

વિસ્મય શાહે બીએમડબ્લ્યુ કાર ખરીદી ત્યારે ઇન્સ્યોરન્સ પો‌િલસી લીધી હતી. ઇન્સ્યોરન્સ પો‌િલસીમાં કારની અડફેટે કોઇ વ્યકિતનું મોત થાય અને કારચાલકની બેદરકારી સાબિત થાય તો મૃતકને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સનું વળતર મળતું હોય છે. આ વળતરની જવાબદારી ઇન્સ્યોરન્સ કંપનીની હોય છે, જોકે ઇન્સ્યોરન્સની પો‌િલસીમાં શરતોનો ભંગ થતો હોય તો ઇન્સ્યોરન્સ કંપની મૃતકને વળતર ચૂકવતી નથી હોતી, પણ વાહનચાલકે તે વળતર ચૂકવવું પડે છે.

You might also like