રાવણ દ્વારા રચાયેલ શિવ તાંડવ સ્તોત્ર છે પરમ કલ્યાણકારી

રાવણ દ્વારા રચાયેલ શિવ તાંડવ સ્તોત્ર પરમ કલ્યાણકારી છે, જેને આપણે અહીં સમજીએ. જેના જટા રૂપી વનમાંથી નીકળતી ગંગાને પડતી વખતે તેના પ્રવાહથી પવિત્ર થયું છે એવા, ગળામાં સર્પની માળા જેમણે ધારણ કરીને ડમરુંના ડમ ડમ શબ્દોથી શોભિત જેમણે પ્રચંડ નૃત્ય કર્યું તે શિવજી અમારું કલ્યાણ કરો.

જેમનું મસ્તક જટા રૂપી ખીણમાં વેગથી ફરતી ગંગાની ચંચળ તરંગ વેલીઓથી શોભી રહ્યું છે લલાટમાં રહેલ અગ્નિ ધક ધક સળગી રહ્યો છે અને મસ્તક પર ચંદ્ર વિરાજમાન છે તે શિવમાં મને હંમેશા અનુરાગ (પ્રેમ) રહો.ગિરિરાજ કિશોરી (પાર્વતી)ના શણગાર સમયે ઉપયોગી મસ્તકના આભૂષણોને લીધે બધી દિશાઓ પ્રકાશિત થતી જોઇને જેનું મન આનંદિત થઈ રહ્યું છે જેની સતત કૃપા દ્રષ્ટિથી કઠિનમાં કઠિન મુશ્કેલીઓ દૂર થઈ જાય એવા કોઈ દિગંબર (શિવ)તત્વમાં મારું મન વિનોદ (આનંદ) પામે.

જેની જટાજૂટમાં ફર્યા કરતા સર્પોની ફેણ પર રહેલા મણિઓથી ફેલાતું પિંગળ તેજ દિશા રૂપી સ્ત્રીઓના મુખ પર જાણે કુમકુમ રાગ (લાલાશ)નો જાણે લેપ થઈ ગયો છે, મદમસ્ત હાથીઓના હાલતા ચર્મનું ઉત્તરીય વસ્ત્ર ધારણ કરવાથી સ્નિગ્ધ થયેલ એ ભૂતનાથમાં મારું ચિત્ત વિનોદ(આનંદ)પામો.

જેમની ચરણપાદુકાઓ ઇન્દ્ર વગેરે દેવોના મસ્તક ઉપર રહેલા ફૂલોની પરાગ રજથી ઢંકાયેલી છે. શેષનાગના હારથી બાંધેલી જટાવાળા તે ભગવાન ચંદ્રશેખર મારા માટે ચીર સ્થાયી સંપતિને મેળવી આપો.

જેમના લલાટ રૂપી યજ્ઞકુંડમાં પ્રજ્વલિત અગ્નિના તણખાઓના તેજથી કામદેવને નષ્ટ કરી નાખ્યો છે જેને ઇન્દ્ર નમસ્કાર કર્યાં કરે છે ચંદ્રની કલાઓથી સુશોભિત મુકૂટવાળું તે ઊંચું કપાળવાળું જટાજૂટ મસ્તક અમારે માટે સંપત્તિનું સાધક બનો.

જેમણે પોતાના વિકરાળ કપાળ પર પ્રગટતી ધક ધક જ્વાળાઓની અગ્નિમાં જેમણે કામદેવને હોમી દીધો છે ગિરિરાજ પુત્રીના વક્ષસ્થળ પર પાંદડાઓ દોરનાર(પત્રભંગ રચના કરનાર) એક માત્ર કલાકાર ભગવાન ત્રિલોચન શિવમાં મારી ધારણાઓ લાગેલ રહો.

જેમના ગળામાં નવા આવેલ મેઘ ઘેરાયેલ હોય અમાસની અડધી રાત્રે જેવો અંધકાર જેવી કાળાશ ફેલાયેલ હોય જેમણે ગજચર્મ લપેટેલ છે સંસારનો ભાર ધારણ કરનાર અને ચંદ્રમાના સંપર્કથી મનને હરી લેનાર તેજવાળા તે ગંગાધર મારી સંપતિનો વિસ્તાર કરો.

જેના ગળામાં ખીલેલા નીલકમળના સમૂહને કારણે પથરાયેલ તેજ જેવા હરણના ચિહ્નથી સુશોભિત છે તથા જેમણે કામદેવ,ત્રિપુર,ભવ (સંસાર)દક્ષયજ્ઞ, હાથી, અંધકાસુર અને યમરાજનું પણ ઉચ્છેદન કર્યું છે તેમને હું ભજું છું.

જે અભિમાન રહિત કલારૂપ કદંબ મંજરીરૂપ રહેલ મધના ઝરણાઓની મધુરતાનું પાન કરનાર ભમરા રૂપ છે અને કામદેવ, ત્રિપુર,ભવ,દક્ષ યજ્ઞ, હાથી, અંધકાસુર,અને યમરાજનો પણ અંત કરનાર છે એને હું ભજું છું.

જેમના મસ્તક પર ખૂબ વેગથી ઘૂમતા સર્પના ફૂંફાડાથી લલાટની ભયંકર અગ્નિ ક્રમશઃ ધગધગતો ફેલાઈ રહ્યો છે અને ધીમે ધીમે વાગતા મૃદંગના ગંભીર મંગલ અવાજથી જેમનું પ્રચંડ તાંડવ નૃત્ય થઈ રહ્યું છે તે ભગવાન શંકરનો જય થાઓ.

પથ્થરની કે સુંદર રેશમની પથારીમાં,સાપ અથવા મોતીની માળામાં,બહુમૂલ્ય રત્નો કે માટીના ઢેફામાં મિત્ર કે શત્રુપક્ષમાં,તણખલા કે કમળ જેવી આંખોવાળી તરુણીઓમાં, પ્રજા કે પૃથ્વીના મહાન રાજામાં સમાન ભાવ રાખતો હું ક્યારે શિવને ભજીશ?

સુંદર લલાટવાળા ભગવાન ચંદ્રશેખરમાં ચિત્ત દેવાયેલ મારા કુવિચારો ત્યાગીને ગંગાજીના કિનારા પર વેલ મંડપમાં અંદર બેઠેલો હું માથા પર હાથ જોડીને આંસુથી ડબડબ થયેલી આંખોવાળો “શિવ શિવ”એમ મંત્ર જપતો ક્યારે સુખી થઈશ.

જે મનુષ્ય આ પ્રકારે આ ઉત્તમ સ્તોત્રનો હમેંશા પાઠ સ્મરણ અને વર્ણન કરે છે તે હંમેશા શુદ્ધ રહે છે અને તુરત જ દેવોના ગુરુ શ્રી શંકરની ભક્તિ પ્રાપ્ત કરી લે છે તેની ક્યારેય અવળી ગતિ થતી નથી કેમ કે શિવજીનું આવું ચિંતન બધા પ્રાણીઓના મોહનો નાશ કરે છે.

સાંજના સમયે (સમીસાંજે) પૂજા સમાપ્ત કરીને રાવણે ગાયેલ આ સ્તોત્રનો જે પાઠ કરે છે ભગવાન શંકર તેને (મનુષ્યને) રથ, હાથી, ઘોડાથી યુક્ત હંમેશાં સ્થિર રહેનાર અનુકૂળ સંપત્તિ આપે છે અને તેનું પરમ કલ્યાણ કરે છે.•

You might also like