ઉદ્ધવ-અમિત શાહ વચ્ચે વાત ન બનીઃ શિવસેના એકલી ચૂંટણીમાં ઝુકાવશે

મુંબઈ: બુધવારે ભાજપના પ્રમુખ અમિત શાહ અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે વચ્ચે થયેલી મુલાકાત બાદ પણ બંને પાર્ટીઓ વચ્ચે વાત બની નહીં હોવાના અહેવાલો છે. શિવસેનાના નેતા સંજય રાઉતના તાજેતરના નિવેદન પરથી આવો નિર્દેશ મળી રહ્યો છે.

સંજય રાઉતે જણાવ્યું હતું કે બુધવારે બંને નેતાઓ વચ્ચે બે કલાક સુધી અનેક મુદ્દે સારી ચર્ચા થઈ હતી. અમિત શાહે ફરીથી મળવાની વાત કરી છે. રાઉતે જણાવ્યું છે કે અમે અમિત શાહનો એજન્ડા સ્વીકારીએ છીએ, પરંતુ શિવસેનાની રાષ્ટ્રીય કારોબારીએ એક ઠરાવ પાસ કરીને જણાવ્યું છે કે આગામી ચૂંટણી અમે એકલા હાથે જ લડીશું. આ ઠરાવમાં કોઈ ફેરફાર થશે નહીં.

સંજય રાઉતે એમ પણ જણાવ્યું છે કે શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરે આજે પાલઘરમાં એક રેલીને સંબોધન કરશે, જેમાં તેઓ બુધવારે બંને નેતાઓ વચ્ચે થયેલી વાતચીત અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ બુધવારે માતોશ્રીના બંધ કમરામાં લગભગ અડધો કલાક વાતચીત કરી હતી.

આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ તે સ્પષ્ટ થયું નથી, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ તરફથી શિવસેનાને લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન જારી રાખવા જણાવાયું છે.

પક્ષ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપે શિવસેનાને તેના માટે મહારાષ્ટ્ર કેબિનેટમાં આગામી વિસ્તરણ દરમિયાન સ્થાન આપવા અને કેન્દ્રમાં પણ શિવસેનાના વરિષ્ઠ નેતાને જગ્યા આપવાની ખાતરી આપી છે. સૂત્રોનું કહેવું છે કે શિવસેનાના મોટા ભાગના સાંસદો અને ધારાસભ્યો ભાજપ સાથે ગઠબંધન કરવાની તરફેણમાં છે. તેમનું માનવું છે કે જો ભાજપ સાથે સમજૂતી નહીં કરવામાં આવે તો શિવસેના સત્તાની બહાર ફેંકાઈ જશે.

You might also like