શિવસેનાએ ‘ગોટાળાબાજ’ BJPની પુસ્તિકા બહાર પાડી, ભાજપે પણ ચીમકી આપી

શિવસેનાના એક નેતાએ ગોટાળાબાજ ભાજપના મથાળા હેઠળ એક પુસ્તિકા બહાર પાડી છે. આ પુસ્તિકામાં મહારાષ્ટ્ર સરકારમાં ભાજપના પ્રધાનોના ગોટાળા અને કૌભાંડોનો ઉલ્લેખ થયેલો છે. તેમણે શિવસેનાના નેતાઅો વચ્ચે આ પુસ્તિકાનું વિતરણ કર્યું હતું. શિવસેનાના આ પગલાંથી ભાજપ અને શિવસેના બંને વચ્ચે ફરીથી સંબંધો વધુ વણસશે તેમ લાગી રહ્યું છે.

અહેવાલો અનુસાર ભાજપે પણ એવી ચીમકી આપી છે કે તેઓ બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિવસેનાના નેતાઓનાં અનેક કૌભાંડોની પુસ્તિકા બહાર પાડીને વળતો જવાબ આપશે. જોકે શિવસેનાના એક નેતાએ એવી સ્પષ્ટતા કરી છે કે ભાજપના પ્રધાનોનાં કૌભાંડો અંગે જે પુસ્તિકા બહાર પાડવામાં આવી છે તે શિવસેના દ્વારા સંકલિત સત્તાવાર પુસ્તિકા નથી.

શિવસેનાના એક નેતાએ પક્ષની બેઠક સમાપ્ત થયા બાદ શિવસેનાના કાર્યકરોમાં આ પુસ્તિકાનું વિતરણ કર્યું હતું. જોકે તે પહેલાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ત્યાંથી ચાલ્યા ગયા હતા. પ૬ પાનાની આ પ‌ુસ્તિકામાં ‘પારદર્શી ભાજપા’ ના ર૦ રાષ્ટ્રીય ગોટાળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેન્દ્રમાં ભાજપ સત્તા પર આવી ત્યારથી શરૂ થયેલા આ ગોટાળાની યાદી આ પુસ્તકમાં ક્રમવાર આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભાજપ અને શિવસેના વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે. તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ શિવસેનાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે જો તે ભાજપથી નારાજ હોય તો તે અન્ય કોઇ ગ્રૂપ કે પક્ષમાં જોડાઇ શકે છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ વિરોધી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી સાથે પણ બંધ બારણે બેઠક યોજી હતી. જેના કારણે ભાજપ શિવસેના પર ખફા છે.

You might also like