શિવસેના પ્રમુખના લખાણવાળી લક્ઝુરિયસ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

અમદાવાદ: ડીસા-પાલનપુર હાઈવે પર એરોમા સર્કલ નજીકથી પોલીસે શિવસેના પ્રમુખના લખાણવાળી એક લક્ઝુરિયસ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ત્રણ શખસની ધરપકડ કરી હોવાનું જા‍ણવા મળે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે ઉચ્ચ પોલીસ અધિકારીને અગાઉથી મળેલી બાતમીના અાધારે પોલીસે ડીસા-પાલનપુર હાઈવે પર વોચ ગોઠવી હતી. દરમિયાનમાં ચંડિસર ચોકડી પાસે વાહનચેકિંગ ચાલુ હતું તે દરમિયાન રાજસ્થાન તરફથી અાવી રહેલી શિવસેના પ્રમુખના લખાણવાળી એક લકઝુરિયસ કાર પસાર થતાં પોલીસે તેને રોકી હતી, પરંતુ કારચાલકે કાર પુરઝડપે ચલાવતાં પોલીસે તેનો પીછો કરી પાલનપુર એરોમા સર્કલ નજીક ઝડપી લઈ તલાસી લેતાં તેમાંથી અાશરે રૂ. એક લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી અાવ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરી ત્રણ શખસની ધરપકડ કરી હતી.

અા ઉપરાંત ગાંધીનગરના અારઅારસેલને મળેલી બાતમીના અાધારે પોલીસે ઈડર રાણી તળાવ પાસે એક હોટલ નજીક વોચ ગોઠવી હતી.અા વખતે એક ટ્રક સામેથી અાવી રહી હતી, પરંતુ પોલીસની વોચ જોતાં ટ્રકચાલક ટ્રકને બિનવારસી હાલતમાં છોડી નાસી છૂટ્યો હતો. પોલીસે ટ્રકની ઝડતી કરતાં તેમાંથી રૂ. ૧૮ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી અાવ્યો હતો. પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે રૂ. ૨૮ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like