૨૨ ભારતીય સાથેના લાપતા થયેલા જહાજની શોધખોળના સઘન પ્રયાસો

મુંબઈ: પશ્ચિમ આફ્રિકામાં બેનિન કોસ્ટ નજીક ગિનીના અખાતમાં ૨૨ ભારતીય નાગરિકો સાથેનું એક ઓઈલ ટેન્કર લાપતા થતાં સત્તાવાળાઓ ચિંતામાં મુકાઈ ગયા છે. લાપતા થયેલ જહાજની શોધખોળ માટે સત્તાવાળાઓ દ્વારા સઘન પ્રયાસો જારી છે. આ વિસ્તાર દરિયાઈ ચાંચિયાઓના પ્રભાવવાળો છે.

ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગે જણાવ્યું છે કે રજિસ્ટર્ડ મરિન એક્સપ્રેસ નામના આ ટેન્કર સાથે ગુરુવારથી કોઈ સંપર્ક થતો નથી. આ અગાઉ આ વિસ્તારોમાં દરિયાઈ ચાંચિયાઓએ એક અન્ય જહાજનું અપહરણ કર્યું હતું અને છ િદવસ પછી ખંડણી લઈને જહાજને મુક્ત કર્યું હતું.

જોકે ડાયરેક્ટર ઓફ શિપિંગના જણાવ્યા પ્રમાણે હજુ સુધી ખંડણી માટે કોઈના તરફથી કોઈ કોલ આવ્યાના સમાચાર નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારનો ઈતિહાસ દરિયાઈ ચાંચિયાગીરી સાથે સંકળાયેલો છે. ઈન્ટરનેશનલ મરિન ટાઈમ્સ બ્યૂરોનું કહેવું છે કે આ ટેન્કરમાં ૧૩,૫૦૦ ટન ગેસોલિન ભર્યું હતું. ટેન્કરની શોધખોળ જારી છે.

ભારતીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે જણાવ્યું હતું કે સરકાર આ ઘટનાક્રમ પર નજર નાંખી રહી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ગિનીના અખાતમાં લાપતા થયેલ એક જહાજને લઈને અબુજામાં ભારતીય મિશન નાઈજિરિયા અને બેનિનના પ્રશાસનના સંપર્કમાં છે. આ જહાજ પર ૨૨ ભારતીય નાગરિકો સવાર હતા.

વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશકુમારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેવું માનવામાં આવે છે કે મુંબઈના અગ્નો ઈસ્ટર્ન શિપિંગ કંપનીનું કોમર્શિયલ જહાજ મરિન એક્સપ્રેસ (ઓઈલ ટેન્કર) ગિનીના અખાતમાં બેનિન નજીક સમુદ્રમાં લાપતા થયું છે. જેના પર ૨૨ ભારતીય સવાર હતા.

કુમારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે અબુજા (નાઈજિરિયા)માં અમારા મિશન જહાજનો પત્તો લગાવવા માટે બેનિન અને નાઈજિરિયાના અધિકારીઓની મદદ માટે સંપર્કમાં છે. લાપતા લોકો અંગે માહિતી અંગે દૂતાવાસની ૨૪ કલાકની હેલ્પલાઈનનો નંબર + ૨૩૪-૯૦૭૦૩૪૩૮૬૦ છે.

You might also like