યુપીઃ પાણીની તંગીથી સંબંધો પણ ‘સુકાયા’, શિમલામાં પ્રવાસીઓ પર પ્રતિબંધની માગ

લખનૌ: યુપીના બુંદેલખંડમાં પાણીની કમીના કારણે સેંકડો ગામમાં પતિ-પત્ની, સાસુ-વહુ અને સમગ્ર પરિવારમાં અશાંતિનો માહોલ સર્જાયો છે. લોકો એક બાલ્ટી પાણી માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે. અહીં પાણીની મોટા ભાગની જવાબદારી મહિલાઓ પર નાખી દેવાઇ છે. આખો દિવસ તેમણે પાણી માટે મહેનત કરવી પડે છે. મજબૂર થઇને મહિલાઓ પોતાના પિયર ચાલી ગઇ છે.

નરસિંહપુરના રાકેશની પત્ની શ્યામા, ચંદપુરાના સુખલાલની પત્ની સાવિત્રી સહિત ઘણી મહિલાઓએ એક કિલોમીટર નદીમાંથી પાણી લાવવાનો સ્પષ્ટ ઇનકાર કરીને પોતપોતાના પિયર ચાલી ગઇ. બાંદા જિલ્લાના છિછન ગામના સંતુની પત્ની ટેમ્પામાં બેસીને પિયર ચાલી ગઇ અને પતિને કહ્યું કે જ્યાં સુધી પીવા અને નહાવાના પાણીની સગવડ નહીં કરો ત્યાં સુધી પાછી નહીં આવું. પરેશાન સંતુ અત્યારે તેનાં ત્રણેય બાળકો માટે ભોજન બનાવીને ખવડાવે છે.

આવા કિસ્સા તો ઠેર ઠેર બની રહ્યા છે. બિદુઆ પૂૂર્વા ગામના રામસેવકની પત્ની શિવસખી પતિ અને બાળકોને છોડીને ચાલી ગઇ છે, કેમ કે તેને સવારથી સાંજ સુધી એક કિલોમીટર દૂર કેન નદીમાંથી પાણી ખેંચીને લાવવું પડતું હતું. પત્નીના ગયા બાદ રામસેવક બાળકોની સેવા કરી રહ્યો છે.

શિમલા પણ પાણી માટે તરસ્યું
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં જળસંકટ તીવ્ર બન્યું છે. શહેરના ઘણા વિસ્તારમાં પીવાનું પાણી આવી રહ્યું નથી. જે ભાગમાં ટેન્કર મોકલીને પાણી આપવામાં આવી રહ્યું છે ત્યાં લોકો લાંબી લાઇનો લગાવી રહ્યા છે.
ગઇ કાલે પાણી ન મળતાં નારાજ થયેલા લોકો રસ્તા પર ઊતરી આવ્યા, પરંતુ પાણીની અવેજમાં પોલીસની થપ્પડ અને માર મળ્યો. સ્થાનિક લોકોમાં અસુરક્ષાની ભાવના એટલી હદે ફેલાઇ ગઇ છે કે હવે તેઓ ઇચ્છતા નથી કે ગરમીમાં પર્યટકો શિમલા ફરવા માટે આવે. તેઓ ઇચ્છે છે શિમલા આવતા પર્યટકોને રાજ્યની સીમા પર જ રોકી દેવામાં આવે. શહેરીજનો ઇચ્છી રહ્યા છે કે શહેરમાં ઇમર્જન્સી લગાવી દેવી જોઇએ અને તમામ કોમર્શિયલ પ્રવૃત્તિઓ અટકાવી દેવી જોઇએ.

You might also like