સિમલામાં બે વર્ષ બાદ માર્ચમાં હિમવર્ષાઃ પંજાબમાં કરા પડ્યા

સિમલા: સિમલામાં બે વર્ષ બાદ માર્ચમાં હિમવર્ષા થતાં આ વિસ્તારના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જ્યારે હરિયાણા અને પંજાબમાં પણ કરા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ચંડીગઢમાં ગઈ કાલે દિવસભર ધીમે ધીમે વરસાદ પડ્યો હતો, તેના કારણે આ વિસ્તારના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ ગયો છે. માર્ચમાં આ વિસ્તારમાં વરસાદ થતાં હવામાનમાં ભારે પલટો આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ આ વિસ્તારમાં વરસાદ પડે તેવી સંભાવના છે.

દરમિયાન હિમાચલના સિરમૌર, લાહોલ, કિન્નોર, ચંબા, કુલુ જિલ્લામાં પર બરફવર્ષા થઈ છે, જ્યારે મેદાની વિસ્તારમાં દિવસભર વરસાદ ચાલુ રહ્યો હતો. સિમલામાં 7.7 અને કલ્પામાં 11, મનાલીમાં છ સેમી બરફવર્ષા થઈ હતી, જેના કારણે આ વિસ્તારના જનજીવન પર અસર પડી રહી છે. બરફવર્ષાથી રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે અનેક વાહનચાલક ફસાઈ ગયા હતા. બીજી તરફ ઉત્તર રાજસ્થાનમાં પણ વાતાવરણ પલટાયું હતું, જેમાં જયપુર સહિત પૂર્વ રાજસ્થાન ચક્રવાતી તંત્રની લપેટમાં આવી ગયું હતું, જેના કારણે હવામાન પલટાતાં મોટા ભાગના વિસ્તારમાં તાપમાન નીચું રહ્યું હતું. આ વિસ્તારમાં વરસાદ થયો હતો, જેમાં કેટલીક જગ્યાએ કરા સાથે વરસાદ થતાં જનજીવન પર તેની માઠી અસર પડી હતી.
http://sambhaavnews.com/

You might also like