ત્રણ કરોડ રૂપિયા માટે ‘બિગ બ્રધર’ શોમાં ગઈ હતી શિલ્પા શેટ્ટી

(એજન્સી)મુંબઈ: ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ જીવનમાં ઘણીવાર રિજેકશનનો સામનો કર્યાની વાત કબૂલી હતી. તેણે કહ્યું હતું કે મારી કેરિયરના પ્રારંભિક તબક્કામાં મને એક ફિલ્મ મળી હતી, પરંતુ તે ક્યારેય બની ન શકી. ત્યાર બાદ મને ‘બાજીગર’ ફિલ્મમાં લેવાઈ અને તે ફિલ્મ હીટ થઈ ગઈ, પરંતુ જ્યારે મેં ‘ધડકન’ અને ‘ફિર મિલેંગે’ જેવી ફિલ્મ કરી હતી ત્યારે મને કોઈ એવોર્ડ મળ્યો ન હતો,

શિલ્પા શેટ્ટીએ જણાવ્યું હતું કે આમ થતાં મેં બોલિવૂડમાં ખુદને સૌથી વધુ રિજેક્ટેડ અનુભવી હતી. ત્યાર બાદ જ્યારે ઈન્ટરનેશનલ સ્તર પર મોટો શો બિગ બ્રધર કર્યો ત્યારે કિસ્મત બદલાયું.

જ્યારે મને બિગ બ્રધર શોની ઓફર આવી ત્યારે હું અપને ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. ભારતમાં મને એટલું રિજેકશન મળી ચૂક્યું હતું કે મને લાગ્યું કે દેશની બહાર જઈને કામ કરવું જોઈએ અને બિગ બ્રધરવાળા મને સારા રૂપિયા આપી રહ્યા હતા. હું એકલી ભારતીય હતી જે આ શોમાં જઈ રહી હતી. ત્યારે મેં વિચાર્યું કે હું ત્યાં જઈશ અને અાગામી ત્રણ અઠવાડિયામાં રિજેક્ટ થઈને પરત આવીશ તો પણ મારા એકાઉન્ટમાં ત્રણ કરોડ રૂપિયા આવી જશે. આજ માનસિકતા સાથે હું એ શોમાં ગઈ હતી.

શિલ્પાએ જણાવ્યું હતું કે હું દર અઠવાડિયે રિજેક્ટ થવા તૈયાર હતી, પરંતુ જ્યારે હું શો જીતી ત્યારે ખૂબ જ શોક્ડ હતી, આ માટે મેં મારી જિંદગીના તમામ રિજેકશનનો આભાર માન્યો હતો. શો જીત્યા બાદ જ્યારે હું પરત આવી ત્યારે લોકોની નજર મારા પ્રત્યે બદલાઈ ચૂકી હતી.  જે લોકોએ મને ક્યારેક રિજેક્ટ કરી હતી તે લોકો હવે મારી પાસે ફિલ્મોનું કામ લઈને આવી રહ્યા હતા.

You might also like