શિલોંગમાં પાંચમા દિવસે પણ તણાવઃ લઘુમતી પંચની ટીમ મુલાકાતે

શિલોંગ: મેઘાલયના શિલોંગમાં સતત પાંચમા દિવસે પણ ભારે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે વધતી જતી તંગદિલીને ધ્યાનમાં લઈને સેના દ્વારા ફલેગમાર્ચ કરવામાં આ‍વી હતી. બીજી તરફ આજે પાટનગર શિલોંગની સ્થિતિનો ક્યાસ મેળવવા માટે લઘુમતી પંચની ટીમ મુલાકાતે આવી રહી છે. પાટનગરમાં સ્થિતિ વણસે નહિ તે માટે અર્ધસૈનિક દળની ૧૫થી વધુ ટીમને તહેનાત કરી દેવામાં ‍આવી છે.

દરમિયાન ગત રવિવારે સીઆરપીએફની શિબિર પર દેખાવકારોએ હુમલો કર્યા બાદ ફરી કરફયુ લગાવી દેવામાં આ‍વ્યો હતો. બીજી તરફ કેન્દ્ર સરકારે શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે અર્ધસૈનિક દળની વધારાની ૧૦ કંપનીને મોકલી આપી છે.

ગઈ કાલે ચોથા દિવસે સુરક્ષા દળો પર પેટ્રોલ બોમ્બ અને પથ્થરમારો થતાં ટિયરગેસના સેલ છોડાયા હતા તેમજ ઇન્ટરનેટ-મેસેજિંગ સેવા બંધ કરી દેવામાં આ‍વી છે અને લોકોને પણ કોઈ અફવા પર ધ્યાન નહીં આપવા કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન કિરણ રિજિજુએ અપીલ કરી હતી.

આ ઉપરાંત શિલોંગમાં હિંસક તોફાનો બાદ પરિસ્થતિને કાબૂમાં લેવા સુરક્ષા કાફલો ખડકી દેવાયો છે ત્યારે શિલોંગના જીએસ રોડ પર તોફાની ટોળાએ સુરક્ષા દળોને ટાર્ગેટ કરતાં પેટ્રોલ બોમ્બ અને પથ્થર ફેંક્યા હતા. જવાબમાં સુરક્ષા દળોએ ભીડને કાબૂમાં લેવા માટે ‌િટયરગેસનાં શેલ છોડ્યા હતા.. પોલીસે પાંચ લોકોની ધરપકડ પણ કરી હતી.

You might also like