નિષ્ફળતાએ મને ઘણું બધું શીખવ્યુંઃ શિખર ધવન

દામ્બુલા: શિખર ધવન તેની કારકિર્દીના શ્રેષ્ઠ ફોર્મમાંથી હાલ પસાર થઈ રહ્યો છે, પરંતુ આ ઓપનિંગ બેટ્સમેન તેની નિરાશાઓને ભૂલ્યો નથી, કારણ કે જે કારણે તે ટીમ ઇન્ડિયામાંથી બહાર થઈ ગયો હતો એ નિષ્ફળતાઓએ તેને ઘણા પાઠ શીખવ્યા છે.

ધવનને ગત વર્ષે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી બાદ નબળા ફોર્મના કારણે ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો અને આ વર્ષે તે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમમાં પાછો ફર્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફી બાદ શિખર ધવનના બેટે એવું તો ગર્જવાનું શરૂ કર્યું છે કે શાંત થવાનું નામ લેતું નથી.

શિખર કહે છે, “આગામી વર્લ્ડ કપને હજી ઘણો સમય છે અને હું ત્યાં સુધી સારો દેખાવ કરતો રહેવા માગું છું. આ મારું લક્ષ્ય છે, કારણ કે હું જો સારો દેખાવ નહીં કરું તો ટીમમાં મારું સ્થાન લેવા અન્ય બેટ્સમેનો હાજર છે.”

ધવને વધુમાં કહ્યું કે, ”નિષ્ફળતા માનવીને ઘણું શીખવે છે અને હું પણ નિષ્ફળતાઓમાંથી ઘણું શીખ્યો છું. સતત સારો દેખાવ કરવા માટે ફિટનેસ બહુ મહત્ત્વની છે. હાલ હું મારી ફિટનેસ અને ફિલ્ડિંગ ઉપર પણ ઘણું ધ્યાન આપી રહ્યો છું.”
ઉલ્લેખનીય છે કે દામ્બુલા ખાતે રમાયેલી પ્રથમ વન ડેમાં ધવને ૭૧ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી અને શ્રીલંકા સામે પ્રથમ વાર તથા વન ડે ક્રિકેટમાં છઠ્ઠી વાર મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો.

શ્રીલંકાના વર્તમાન પ્રવાસ દરમિયાન ધવન ગજબનાક ફોર્મમાં રમી રહ્યો છે. વન ડેમાં સદી ફટકારી તે પહેલાં ધવને ગોલ અને પલ્લેકલ ટેસ્ટમાં પણ સદી ફટકારી હતી. તેણે કહ્યું, ”હું ઓસ્ટ્રેલિયા સામે મારી ડેબ્યુ ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ ૨૦૧૩ની ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન પણ આવા જ ફોર્મમાં હતો. જ્યારે મેં ૨૦૧૩માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં વન ડે ટીમમાં વાપસી કરી ત્યારે પણ હું આવી જ રીત રન બનાવી રહ્યો હતો.”

You might also like