મંદિર ત્યાં જ બનશે, મસ્જિદ અયોઘ્યાની બહારઃ શિયા વકફ બોર્ડના ચેરમેન બોલ્યા

લખનૌ: શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે તેમની ઓફિસમાં મુલાકાત કરી. ૨૦ મિનિટની મુલાકાત બાદ રિઝવીએ કહ્યું કે મેં રામ મંદિર બનાવવાને લઈને મુલાકાત કરી છે. જે સ્થાન પર મંદિર છે, મંદિર ત્યાં જ બનશે, મસ્જિદ કોઈ મંદિરને પાડીને બનાવવામાં નહીં આવે. તેથી મસ્જિદ અયોધ્યાથી બહાર અથવા દૂર કોઈ મુસ્લિમ ક્ષેત્રમાં બનાવવાની અમે વાત કરી છે.

રિઝવીએ કહ્યું કે હું તમામ પક્ષકારો સાથે વાત કરી રહ્યો છું. લગભગ તમામે મંદિર પર સહમતી આપી દીધી છે. કેટલાક મુદ્દાઓ ઉપર વાત થવાની બાકી છે તે પણ પૂર્ણ કરી લેવાશે.

રામ મંદિર પર કોઈ વિવાદ નહીં થાય. કેમ કે મંદિર જ્યાં હતું ત્યાં જ બનશે, કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા નહીં આવે. અમે વાત કરીને ખૂબ જ જલદી આ મુદ્દાને ઉકેલી લઈશું. મસ્જિદ અયોધ્યાથી દૂર એવી કોઈ જગ્યાએ બનાવાશે કે જ્યાં મુસ્લિમ વસ્તી હોય.

રિઝવીએ એમ પણ કહ્યું હતું કે મંદિર, મસ્જિદ મુદ્દા પર અમારી સીએમ યોગી સાથે વાતચીત થઈ. અમારી મુલાકાત ખૂબ જ સકારાત્મક રહી. આ પહેલા વસીમે ખાસ વાતચીતમાં કહ્યું કે આ વાતચીતમાં શાંતિપૂર્ણ ઉકેલનો પ્રસ્તાવ ૬ ડિસેમ્બર સુધી તૈયાર કરીને સુપ્રીમ કોર્ટમાં જમા કરાવી દેવાશે. અયોધ્યામાં વિવાદિત જમીનથી થોડા અંતરે મુસ્લિમ વિસ્તારમાં મસ્જિદ બનાવી શકાય.

૬ ડિસેમ્બર ૧૯૯૨માં બાબરી મસ્જિદ તોડવાની ઘટના બની હતી. આ કારણે કે યુપી શિયા વકફ બોર્ડે શાંતિપૂર્ણ ઉકેલનો પ્રસ્તાવ ૬ ડિસેમ્બર સુધી આપવાનું નક્કી કર્યું હતું.

૧૯૪૯થી ચાલી રહ્યો છે વિવાદ
૧૯૪૯માં વિવાદિત માળખામાં રામલલ્લાની મૂર્તિ સામે આવ્યા બાદ વિવાદ શરૂ થયો હતો. ત્યારે સરકારે આ જગ્યાને વિવાદિત જાહેર કરી હતી અને તે જગ્યા પર તાળું મારી દીધું હતું. શિયા વકફ બોર્ડ અયોધ્યા કેસમાં પ્રતિવાદી નં. ૨૪ છે. બોર્ડે પહેલીવાર સુપ્રીમ કોર્ટમાંથી જ એફિડેવિટ દાખલ કરી છે. ૬૮ વર્ષ જૂના આ મુદ્દાના ઉમેલ માટે શિયા વકફ બોર્ડ ઉપરાંત સુપ્રીમ કોર્ટ, અલાહાબાદ હાઈકોર્ટ અને સુબ્રમણ્યમ સ્વામી પણ રસ્તો બતાવી ચૂક્યા છે.

You might also like