કિન્નરોઅે હોબાળો મચાવી અાપઘાત કરનાર કિન્નરનું પોસ્ટમોર્ટમ ના કરવા દીધું

અમદાવાદ: શહેરના મણિનગર વિસ્તારમાં કિન્નરે કરેલી આત્મહત્યાના કેસમાં મોડી રાત્રે એલજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવા મામલે કિન્નર સમાજ અને પોલીસ વચ્ચે બોલાચાલી થતાં ભારે ઊહાપોહ મચી ગયો હતો. પોલીસે કિન્નર સમાજની લેખિતમાં બાંયેધરી લઇને પોસ્ટમોર્ટમ કર્યા વગર મૃતદેહ સોંપ્યો હતો.

મણિનગરમાં બે દિવસ પહેલાં કોઇ કારણસર કિન્નર સોનુદેએ ઝેર પીને આત્મહત્યા કરવાની કોશિશ કરતાં સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાે હતાે. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.  સોનુદેનાં મોતની જાણ કિન્નર સમાજને થતાં તેઓ મોડી રાત્રે એલજી હોસ્પિટલમાં દોડી આવ્યાે હતાે. તબીબોએ સોનુદેની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની વાત કરી ત્યારે કિન્નર સમાજના આગેવાનોએ તેનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવાનો ઇન્કાર કર્યો હતો. હોસ્પિટલના નવમા માળ પર કિન્નર તેમજ તબીબો વચ્ચે થયેલી બોલાચાલીથી ભારે ઊહાપોહ મચી ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ મણિનગર પોલીસને થતાં મોડી રાત્રે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત અન્ય પોલીસકર્મીનો કાફલો હોસ્પિટલમાં પહોંચી ગયો હતો.

સોનુદેના પોસ્ટમોર્ટમ મામલે પોલીસ અને કિન્નરો વચ્ચે ઘણા સમય સુધી રકઝક ચાલી હતી. છેવટે પોલીસ પોસ્ટમોર્ટમ કર્યા વગર સોનુદેની લાશને આપવા માટે તૈયાર થઇ ગઇ હતી. મણિનગર પોલીસે સોનુદેની લાશ આપવાના બદલામાં કિન્નર સમાજના આગેવાનો પાસે એક એફિડેવિટ લખાવી લીધું હતું. જેમાં સોનુદેના મોત મામલે કોઇ કાર્યવાહી કરવી નથી અને જવાબદારી સમાજની રહેશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે કોઇપણ વ્યકિતની હત્યા થાય કે પછી કોઇ આત્મહત્યા કરે અથવા તો અકસ્માતમાં મૃત્યુ થાય તેવા કેસમાં પોસ્ટમોર્ટમ કરાવવું ફરજિયાત બને છે.

મણિનગર પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર વી.એસ. બારડે જણાવ્યું છે કે મરનારના પરિવારજનો કે સંબંધીઓની મંજૂરી હોય તો લેખિતમાં બાંયધરી લઇને પોસ્ટમોર્ટમ કર્યા વગર લાશનો કબજો આપવામાં આવતો હોય છે.
http://sambhaavnews.com/

You might also like