શીલા દીક્ષિત ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડવા ઇચ્છતાં નથી

ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના મુખ્યપ્રધાનપદનાં ઉમેદવાર શીલા દીક્ષિતે હજુ સુધી પોતાને માટે કોઈ સલામત મતવિસ્તારની પસંદગી કરી નથી. જોકે તેમને માટે પક્ષના પ્રદેશ અગ્રણીઓએ જે મતવિસ્તારો પસંદ કર્યા છે તેમાં કાનપુર, નોઇડા, અલાહાબાદ શહેર, લખનૌમાં બક્ષી તળાવ, વારાણસી કેન્ટ મતવિસ્તારનો સમાવેશ થાય છે. કહે છે કે જિતિનપ્રસાદે તેમને બ્રાહ્મણો અને મુસ્લિમોની બહુલતાવાળી મહોલી બેઠકનું સૂચન કર્યું છે. એ બેઠક તેમના માટે સૌથી વધુ સલામત માનવામાં આવે છે. પરંતુ હકીકત એ છે કે શીલા દીક્ષિત ચૂંટણી લડવાનું ટાળવા ઇચ્છે છે. તેમની ખુદની અનિચ્છા છતાં પક્ષના હિત ખાતર તેઓ મુખ્યપ્રધાનપદના ઉમેદવાર તો બની ગયાં. પરંતુ તેમની ધારણા એવી ખરી કે રાજ્યમાં પક્ષ સત્તાની ખુરશી સુધી તો પહોંચી શકવાનો જ નથી. એટલે તેઓ માત્ર પક્ષનો પ્રચાર કરવા ઇચ્છે છે. પરંતુ પક્ષના કાર્યકરોનું એવું દબાણ છે કે જો તેમના નેતા જ ચૂંટણી ન લડે તો પછી કેડર શું કરશે !?

You might also like