બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટીનો પ્રચંડ વિજયઃ ચોથી વખત વડા પ્રધાન બનશે

ઢાકા: બાંગ્લાદેશમાં રવિવારે યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં વડા પ્રધાન શેખ હસીનાની આવામી લીગ પાર્ટીનો પ્રચંડ વિજય થયો છે. શેખ હસીનાની પાર્ટી આવામી લીગે ર૯૯માંથી ર૬૬ બેઠક જીતી લીધી છે. જ્યારે તેમની મુખ્ય સહયોગી જતીયા પાર્ટીને ર૧ બેઠક મળી છે. આમ શેખ હસીનાએ ર૯૮માંથી ર૮૭ બેઠક જીતીને ક્લીનસ્વીપ કર્યું છે. જ્યારે મુખ્ય વિપક્ષી ગઠબંધન-નેશનલ યુનિટી ફ્રન્ટ (એનયુએફ) અને તેના સાથી પક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ને માત્ર સાત બેઠક મળી છે.

આ રીતે શેખ હસીનાએ બાંગ્લાદેશમાં ચોથી વખત વડા પ્રધાન બનવાનો રેકોર્ડ સ્થાથ્યો છે. ચૂંટણી સંબંધિત હિંસામાં ઓછામાં ઓછા ૧૭ લોકોના મોત થયા હતા. વિરોધ પક્ષોએ જોકે ચૂંટણીમાં મોટા પાયે ગેરરીતિઓ થઇ હોવાનો આક્ષેપ કરીને ફરીથી ચૂંટણી યોજવાની માગણી કરી છે.

૩૦૦માંથી ર૯૯ બેઠકના પરિણામ આવી ગયા છે. એક બેઠક પર ઉમેદવારના મૃત્યુને કારણે ચૂં્ટણી મોકૂફ રાખવામાં આવી હતી. બાંગ્લાદેશ ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર શેખ હસીનાને દ‌િક્ષણ-પશ્ચિમ ગોપાલગંજની બેઠક પર ર,ર૯,પ૪૯ વોટ સાથે પ્રચંડ વિજય પ્રાપ્ત થયો છે. જ્યારે તેમના હરીફ બીએનપીના ઉમેદવારને માત્ર ૧ર૩ મત મળ્યા હતા.

ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર ર૯૯ બેઠક માટે યોજાયેલ ચૂંટણીમાં ૧,૮૯૮ ઉમેદવારો મેદાનમાં હતા. ચૂંટણી માટે ૪૦,૧૮૩ મત કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. શેખ હસીનાનો વિજય ભારત માટે રાહતરૂપ માનવામાં આવે છે.

વાસ્તવમાં ખાલિદા ઝિયાનું ભારત પ્રત્યે યોગ્ય વલણ નહોતું અને તેમની તુલનાએ શેખ હસીનાએ ભારત પ્રત્યે નરમ વલણ અપનાવ્યું છે. વિપક્ષી ગઠબંધન એનયુએફના સંયોજક કમલ હુસેને જણાવ્યું હતું કે અમે ચૂંટણી પરિણામોનો અસ્વીકાર કરીએ છીએ. અમારી પાસે તમામ ચૂંટણી મથકો પર ગેરરીતિઓ અને ગોટાળા થયાના પુરાવા છે. અમારી માગણી છે કે ચૂંટણીપંચ તાત્કાલિક આ ચૂંટણીઓને રદબાતલ ઠરાવે અને નવેસરથી ચૂંટણી યોજે.

બીએનપીના મહામંત્રી મિરઝા ફકરુલ આલમગીરે ચૂંટણીને ક્રૂર મજાક ગણાવી છે. ચૂંટણીપંચના અધિકારીઓએ જણાવ્યું છે કે દેશભરમાં હિંસાની ૧૦૦ ફરિયાદ મળી છે. મૃતકોમાં મોટા ભાગના શાસક પક્ષના કાર્યકરો હોવાનું જણાવાય છે.

You might also like