શીના બોરા કેસઃ મુખર્જીને ૩૦મી સુધી સીબીઆઈ કસ્ટડી

મુંબઈ: મુંબઈની એક અદાલતે શીના બોરા હત્યા કેસમાં મીડિયા માંધાતા પીટર મુખર્જીની સીબીઆઈ કસ્ટડી આગામી ૩૦મી નવેમ્બર સુધી લંબાવી હતી. આ હત્યા પાછળનો ઈરાદો નાણાંકીય વ્યવહારો હોઈ શકે તેવું પૂરવાર કરવા માટે પોતાની પાસે પૂરતા દસ્તાવેજો હોવાની સીબીઆઈએ અદાલત સમક્ષ કરેલી રજૂઆત બાદ મુખર્જીની કસ્ટડી લંબાવવામાં આવી હતી.  મુખર્જીની કસ્ટડી લંબાવવા માટે સીબીઆઈ તરફથી દલીલો કરતાં એડિશનલ સોલીસીટર જનરલ અનિલ સિંઘે કોર્ટને જણાવ્યું હતું કે ઈન્દ્રાણી અને પીટરે વર્ષ ૨૦૦૬-૦૭ વચ્ચે ઘણી કંપનીઓ ઉભી કરી હતી અને રૃ.૯૦૦ કરોડનું રોકાણ કર્યું હતું.

તેમણે ઉમેર્યું કે પૂછપરછ દરમ્યાન સિંગાપુરમાં શીના બોરાના નામે એચએસબીસીમાં બેંકખાતુ હોવાનું ખૂલ્યું હતું. આ બેંક ખાતુ ઈન્દ્રાણીની સહેલી ગાયત્રી આહુજા દ્રારા ખોલાવવામાં આવ્યું હતું. સીબીઆઈએ આ ખાતાની માહિતી મેળવવા માટે ઈન્ટરપોલની મદદ માગી છે.
સીબીઆઈએ કોર્ટને જણાવ્યું હતું કે નાણાંની ઉચાપત થઈ હોય અને આ હત્યામાં નાણાંકિય વ્યવહારો સંકળાયેલા હતા તેવું પૂરવાર કરે તેવી ઘણી વસ્તુઓ તેણે એકત્ર કરી છે. સીબીઆઈએ જણાવ્યું હતું કે હત્યા પાછળનો ઈરાદો નાણાંકીય વ્યવહારો હોઈ શકે. તેમણે ઉમેર્યુંકે આ કેસના સંબંધમાં હજુ અન્ય ઘણાં લોકોની પૂછપરછ કરવાની જરૃર છે અને તેથી મુખર્જીની કસ્ટડી લંબાવવાની રજૂઆત કરવામાં આવી છે.

સિંઘે જણાવ્યું હતું કે સામાન્ય સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ પોતાના ગુમ થયેલા સંબંધીની ભાળ મેળવવાનો પ્રયાસ કરે, પરંતુ આ કેસમાં આરોપીએ બે વર્ષ કરતાં વધુ સમયથી કશું જાહેર કર્યું નહોતું.  બીજી બાજુ પીટર મુખર્જીના વકિલોએ જણાવ્યું હતું કે મુખર્જી તેમની પત્નીના ખોટા કામોનો ભોગ બન્યા છે. ઈન્દ્રાણી પીટરથી હકિકતો છૂપાવતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે એ સ્પષ્ટ છે કે પીટરને શીના અને રાહુલના સંબંધો વિશે કોઈ વાંધો નહોતો, પરંતુ ખોટી વાર્તા ઘડી કાઢવામાં આવી હતી.

You might also like