શાયોના ગ્રૂપના બિલ્ડર યોગેશ પટેલ ભૂગર્ભમાં

અમદાવાદ ઃ એચ.એન. સફલ ગ્રૂપના બિલ્ડર ધીરેન વોરા, સીએ અને તેમના કાર ડ્રાઇવર પર કરાયેલા જીવલણ હુમલા મામલે કોર્ટે આરોપી શાયોના ગ્રૂપના બિલ્ડર યોગેશ પટેલના આગોતરા જામીન ફગાવી દીધા હતા. હાલમાં યોગેશ પટેલ ભૂગર્ભમાં ઊતરી ગયા છે. સેટેલાઇટ પોલીસે આ કેસમાં તેઓની શોધખોળ શરૂ કરી છે.

તા.૧ર જાન્યુઆરી ર૦૧૬ના રોજ પોતાની કારમાં એચ. એન. સફલ ગ્રૂપના ધીરેન વોરા, સીએ આર.કે. પટેલ અને કાર ડ્રાઇવર અશોક પટેલ જઇ રહ્યા હતા તે દરમિયાન મર્સિડીઝ કારમાં શાયોના ગ્રૂપના યોગેશ પટેલ અને તેમના ત્રણ સાગરીતો આવ્યા હતા અને ધીરેન વોરાની કાર પર બેઝબોલની સ્ટિક વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં સીએ આર. કે. પટેલને ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે ધીરેન વોરાના ડ્રાઇવરે ફરિયાદ નોંધાવતાં સેટેલાઇટ પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ કેસમાં હત્યાના પ્રયાસની કલમનો પણ ઉમેરો કરાયો હતો. દરમિયાનમાં બિલ્ડર યોગેશ પટેલે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતાં કોર્ટે આગોતરા જામીન ફગાવી દીધા હતા. સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.યુ. મશીએ જણાવ્યું હતું કે હાલમાં આરોપી યોગેશ પટેલ પોલીસ ચોપડે ફરાર છે. તેની શોધખોળ ચાલુ છે.

You might also like