સિટી બસોમાં શાયરીઓ પીરસાય છે!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસ બસસેવા અનેક વાર વિવાદોમાં રહી છે. બસોના રૂટથી લઈને ફ્રિકવન્સી સુધીની બાબત સમયાંતરે અમદાવાદીઓની ચર્ચાનો વિષય બનતી રહે છે. હાલ પણ એએમટીએસ ચર્ચામાં તો છે પણ એક અલગ મુદ્દે. વાત એમ છે કે, એએમટીએસની કેટલીક નવી બસોમાં તેનો રૂટ દર્શાવતી ઈલેક્ટ્રોનિક ડિસપ્લેના પાછળના ભાગે શેર-શાયરીઓ લખેલી જોવા મળે છે. જેથી એેએમટીએસમાં મુસાફરી કરતાં મુસાફરોમાં ભારે કુતૂહલ જાગ્યું છે.

એએમટીએસની મોટાભાગની બસો આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. આ બસોમાં રૂટ દર્શાવવા માટે ઈલેક્ટ્રોનિક ડિસપ્લે લગાવાયેલાં છે. આ ઈલેક્ટ્રોનિક ડિસપ્લેના પાછળના કાળા ભાગ પર એએમટીએસના શોખીન ડ્રાઈવરો-કંડક્ટરો દ્વારા સફેદ ચૉકથી શેર-શાયરીઓ લખવામાં આવી રહી છે. મુસાફરોના જણાવ્યા મુજબ જે તે બસના યુવા ડ્રાઇવરો પ્રેમ, જુદાઈ, બેવફાઈ, દર્દ જેવા વિષયો પર સ્વ-હસ્તાક્ષરમાં શાયરીઓ લખે છે.

એએમટીએસ બસોમાં આવનજાવન કરતાં કેટલાક મુસાફરોનાં અવલોકન મુજબ મોટેભાગે ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ કૉલેજ, લૉ ગાર્ડન, આઈઆઈએમ, વસ્ત્રાપુર, ગૂજરાત વિદ્યાપીઠ, લાલ દરવાજા જેવા કૉલેજિયનની વધુ અવરજવર ધરાવતા રૂટોની બસોમાં આવી શાયરીઓ વધુ જોવા મળે છે. બસનો રૂટ દર્શાવતી એલસીડી ડિસપ્લેનો પાછળનો ભાગ બસની અંદરના મુસાફરોની બરાબર સામે રહેતો હોવાથી અહીં લખેલી શાયરીઓ મુસાફરોની નજરમાં આવ્યા વિના રહેતી નથી. મુસાફરો પણ શેર-શાયરીઓનો લુત્ફ માણી લે છે.

You might also like