શત્રુઘ્ન સિંહાએ તોડી ખામોશી: કન્હૈયાની ધરપકડ અયોગ્ય

પટણા: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) વિદ્યાર્થી સંઘના નેતા કન્હૈયાની ધરપકડના વિરોધમાં હવે ભાજપના સાંસદ અને બોલિવૂડના અભિનેતા શત્રુઘ્ન સિંહાએ ખામોશી તોડી છે. શત્રુઘ્ન સિંહાએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે કન્હૈયાએ કોઈ રાષ્ટ્ર વિરોધી ભાષણ આપ્યું નથી અને તેણે બંધારણની વિરુદ્ધ કંઈ કહ્યું નથી.

બિહારના બેટા કન્હૈયાએ કંઈ ખોટું કર્યું નથી: શત્રુઘ્ન સિંહા
શત્રુઘ્ન સિંહાએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે મેં કન્હૈયાનું ભાષણ સાંભળ્યું છે. તે બિહારનો બેટો છે. તેણે ન તો કોઈ રાષ્ટ્ર વિરોધી સૂત્રો પોકાર્યાં હતાં કે ન તો તેણે બંધારણ વિરુદ્ધ કંઈ કહ્યું હતું. તેને દેશદ્રોહી ગણાવીને તેની ધરપકડ કરવી યોગ્ય ન હતી. હું પ્રાર્થના કરું છું કે તે જલદી છૂટી જાય.

કન્હૈયાએ કોઈ ગુનો કર્યો નથીઃ દિગ્વિજયસિંહ
જેએનયુકાંડમાં કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે પણ શત્રુઘ્ન સિંહાની સાથે સૂર પુરાવતાં જણાવ્યું છે કે જેએનયુ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કન્હૈયાકુમારે ન તો કોઈ દેશ વિરોધી નારા પોકાર્યાં છે કે ન તો કોઈ ગુનો કર્યો છે. તેની કોઈ કારણ વગર ધરપકડ કરી લેવામાં આવી છે. દિગ્વિજયસિંહે ટ્વિટ કરીને જણાવ્યું છે કે કન્હૈયા કુમારે કોઈ પણ દેશ વિરોધી કામ કર્યું નથી. તેના પર દેશદ્રોહનો આરોપ લગાવીને તેને જેલ મોકલવો એ સંપૂર્ણપણે ખોટું છે. આરએસએસ અને એબીવીપીની સા‌િજશમાં કન્હૈયા કુમારને ફસાવવામાં આવ્યો છે.

You might also like