સૂત્રોચ્ચાર દેશદ્રોહ નથી, વિદ્યાર્થીઓ સામેનો કેસ અયોગ્યઃ શત્રુઘ્ન સિંહા

મુંબઇ: પક્ષનાં વલણ અને નીતિથી વિમુખ નિવેદનબાજી કરવા માટે જાણીતા બનેલા ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાએ જેએનયુ વિવાદ અને વિદ્યાર્થીઓની ધરપકડ પર નિરાશા વ્યકત કરી છે. એક ન્યૂઝ ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં બિહારી બાબુએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સામે કયારેય દેશદ્રોહનો કેસ ચલાવી શકાય નહીં. તેમણે જણાવ્યું હતું કે સૂત્રોચ્ચાર કરવો તે દેશદ્રોહ નથી. જેએનયુ સ્ટુડન્ટ યુનિયનના પ્રમુખ કન્હૈયાકુમારનો બચાવ કરતાં શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે મેં તેના ભાષણની ટ્રાન્સસ્ક્રીપ્ટ વાંચી છે અને તેમાં કંઇ પણ ગેરબંધારણીય કે દેશ વિરોધી બાબત નથી. આપણેે વિદ્યાર્થીઓ સામે દેશદ્રોહનો કેસ ચલાવી શકીએ નહીં. સૂત્રોચ્ચાર કરવો એ કઇ રીતે દેશદ્રોહ બની શકે છે? એવું શત્રુઘ્ન સિંહાએ ટ્વિટર પર પૂછયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે શોર્ટ ગન શત્રુઘ્ન સિંહા આ અગાઉ પણ ખુલ્લેઆમ કન્હૈયાકુમારની ધરપકડનો વિરોધ કરી ચૂકયા છે. તેમણે ટ્વિટર પર કોર્ટ સંકુલમાં વકીલોના હુમલા અને પોલીસની નિષ્ક્રિયતા સામે પણ નિશાન તાકયું હતું.

You might also like