બિહારની હાર માટે જવાબ આપવો જ પડશેઃ શત્રુઘ્ન

પટણા: બોલીવૂડ અભિનેતા અને ભાજપના નેતા શત્રુઘ્નસિંહાએ વધુ એક વખત ભાજપ નેતાગીરીને પડકારી છે. બિહાર ચૂંટણી વખતના વિધાનો બદલ શિસ્તભંગના પગલાંની માંગ કરતા નેતાઓને ઝાટકીને તેમણે એવો પડકાર કર્યો છે કે મારી સામે પગલાં લેવાની નેતાગીરીની હિંમત નથી. શત્રુઘ્નસિંહાએ ધડાધડ જુદા-જુદા પાંચ ટ્વિટ કર્યા છે. ભાજપ નેતા આર. કે. સિંહનો હવાલો આપતા કહ્યું કે મારા અને આર. કે. સિંહ સામે પગલાં લેવાની ભાજપમાં હિંમત નથી. આર.કે. સિંહને શત્રુઘ્ન સિંહાએ ‘બિહારના સિંહ’ ગણાવ્યા હતા. આ અગાઉ અન્ય એક ટ્વિટમાં શત્રુઘ્નસિંહાએ એમ કહ્યું કે અંગત સ્વાર્થ ધરાવતા તત્વો હજુ કોઇ પદાર્થ પાઠ લેવાના મૂડમાં નથી. તેઓ હજુ ગેરસમજણ સર્જવા જ પ્રયત્નશીલ છે. બિહારની હાર માટે જવાબદાર નેતાઓએ જવાબ આપવો જ પડે.

ભાજપના સિનિયર નેતાઓ તથા પક્ષની નીતિઓ વિરુદ્ધ વિધાનો કરીને શત્રુઘ્નસિંહા વિવાદોમાં રહ્યા જ છે. બિહારમાં પરાજય માટે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષપ્રમુખ અમિત શાહને જવાબદાર ગણાવ્યા હતા. ચૂંટણીમાં પોતાને આગળ કરવામાં આવ્યો હોત તો પરિણામ જુદુ જ આવત તેવો પણ દાવો કર્યો હતો. શત્રુઘ્નસિંહાએ એક તરફ ભાજપના નેતાઓ પર પ્રહાર કર્યા હતા તો બીજી તરફ નીતીશકુમારના શાસનની પ્રશંસા કરીને વિકાસ પુરુષ ગણાવ્યા હતા.

શત્રુઘ્નસિંહાએ એક પછી એક એમ પાંચ ટ્વિટ કરીને નેતાગીરીને પડકારતા ભાજપમાં ફરી આંતરિક ખળભળાટ સર્જાયો છે. પરાજય માટે સામૂહિક જવાબદારી સ્વીકાર્ય ન હોવાનું સ્પષ્ટ કરી દીધું છે અને પરાજય માટે જવાબદારી નિર્ધારિત થવી જોઇએ તેવો સૂર દર્શાવ્યો હતો. પરાજય માટે જવાબદાર નેતાઓએ ક્યાં, કેવી રીતે અને કેમ ભૂલ થઇ તેનો જવાબ આપવો જોઇએ અને સમગ્ર પક્ષને સંતોષપ્રદ ઉત્તર આપવો જોઇએ.

You might also like