જુલાઈથી ચાર શતાબ્દી ટ્રેનના ભાડામાં ૩૦ ટકા ઘટાડો થશે

નવી દિલ્હી: આગામી દિવસોમાં રેલવે વિભાગે ચાર શતાબ્દી ટ્રેનના ભાડામાં ૩૦ ટકા ઘટાડો કરવાની દિશામાં પ્રયાસ હાથ ધર્યાે છે. વોલ્વો બસની સરખામણીએ મુસાફરોને ભાડું સસ્તું પડે તે માટે આ માટે જુલાઈથી ૩૦ ટકા ભાડું ઘટાડવા નિર્ણય કરાયો છે.

આ અંગે થયેલા પ્રસ્તાવ હેઠળ હાલ ચાર શતાબ્દી ટ્રેનની પસંદગી કરવામાં આ‍વી છે, તેમાં નવી દિલ્હી-કાલકા શતાબ્દી, નવી દિલ્હી-લુધિયાણા, આગ્રા ફોર્ટ-જયપુર તથા હાવરા-પુરી શતાબ્દી ટ્રેનનો સમાવેશ થાય છે. આ તેવી ટ્રેનો છે કે જે ૫૦ ટકા ખાલી દોડી રહી છે. તેથી વોલ્વો બસ કરતાં ઓછું ભાડું રાખીને મુસાફરોને આકર્ષવા માટે રેલવે વિભાગે હવે આવી ટ્રેનના ભાડામાં ૩૦ ટકા ઘટાડો કરવા નિર્ણય કર્યો છે, જે આગામી માસથી અમલી બનશે. આવી ટ્રેનો ખાલી રહેવા પાછળ અનેક કારણ બહાર આવ્યાં છે, જેમાં મુસાફરોને સારી સુવિધા મળતી નથી અને સમયની અનુકૂળતા નથી. જ્યારે બીજી તરફ વોલ્વો બસમાં લોકોને સારી સુવિધા મળતી હોવાથી તેમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરે છે. બીજી તરફ કેટલાક રૂટ પર પહેલાં પણ આવી ટ્રેનો ચાલી રહી છે તેમાં પણ ખાસ પ્રતિસાદ મળ્યો નથી. તેથી હવે રેલવે વિભાગે આવી ટ્રેનને વોલ્વો બસ કરતાં ઓછા ભાડામાં દોડાવવા આયોજન કર્યું છે.

રેલવે બોર્ડના સભ્ય મહંમદ જમશેદે જણાવ્યું કે ૫૦ ટકાથી ઓછા મુસાફરો સાથે દોડી રહેલી ટ્રેન પ્રત્યે લોકોને આકર્ષવા માટે હવે ભાડાં ઘટાડવાનો નિર્ણય લેવાયો છે અને તે પણ એવી રીતે કે જે રૂટ પર વોલ્વો બસ દોડી રહી છે તે રૂટના મુસાફરોને વોલ્વો બસ કરતાં ઓછા ભાડામાં મુસાફરી કરવાની સુવિધા મળી શકે તેવું આયોજન કરાયું છે. તેથી કદાચ વોલ્વો બસના સંચાલકો પર પણ ભાડામાં ઘટાડો કરવાનું દબાણ વધે તેવી શક્યતા છે, જોકે રેલવેની આવી રણની‌િત અગાઉ નવી દિલ્હી-અજમેર શતાબ્દી અને ચેન્નઈ-મૈસુર શતાબ્દી ટ્રેનમાં કારગત સાબિત થઈ ચૂકી છે, તેમાં જે અગાઉ ભાડું ૪૫૦ હતું તે ઘટાડી ૩૦૦ કરાતાં તેમાં મુસાફરોની સંખ્યા વધી છે ત્યારે હવે આ જ રણની‌િત મુજબ ચાર શતાબ્દી ટ્રેનના ભાડામાં ૩૦ ટકા ઘટાડો કરવા નિર્ણય કરાયો છે.
http://sambhaavnews.com/

You might also like