શશિકલા અદાલતના કેસની સાથે રાજનીતિની બાજી પણ હારી ગયાં

સર્વોચ્ચ અદાલતના વેલેન્ટાઇન્સ દિને આવેલા ચુકાદાએ તામિલનાડુના પ્રાદેશિક રાજકારણના ધુમ્મસને ઓગાળી ચિત્ર સ્પષ્ટ થઈ શકે એવી સ્થિતિનું સર્જન કર્યું છે. અન્નાડીએમકેનાં મહામંત્રી શશિકલાને મુખ્યપ્રધાનપદના શપથ લેવડાવવામાં કે પછી વિધાનસભામાં કાર્યકારી મુખ્યપ્રધાન પનિરસેલ્વમને બહુમતી પુરવાર કરવાનો આદેશ આપવામાં રાજ્યપાલ સી. વિદ્યાસાગર શા માટે વિલંબ કરી રહ્યા છે એવો પ્રશ્ન પૂછવામાં આવતો હતો.

શશિકલા માટે મુખ્યપ્રધાનપદનો માર્ગ મોકળો કરવા માટે રાજીનામું આપનાર પનિરસેલ્વમ એકાએક વિદ્રોહી કેમ બની ગયા એનો સ્પષ્ટ ઉત્તર હજુ સુધી મળી શક્યો નથી અને જે ચર્ચા થતી રહી એ આખરે તો અનુમાન આધારિત હોવાની સંભાવના જ બની રહી. જયલલિતાની ચિરવિદાય પછી પક્ષના મહામંત્રીપદનો હવાલો સંભાળ્યા બાદ મુખ્યપ્રધાનપદની ખુરશી પર આરૂઢ થવા તત્પર બનેલાં શશિકલા નટરાજન પર આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં સર્વોચ્ચ અદાલતના ચુકાદાની તલવાર તોળાયેલી હતી. એ ચુકાદાન તારીખ નજીક હતી અને સંભવિત રીતે મુખ્યપ્રધાનપદ ધારણ કરનાર શશિકલા સર્વોચ્ચ અદાલત તેમને સજા ફરમાવે એ સ્થિતિમાં પનિરસેલ્વમને ખુરશી સોંપી જવાને બદલે અન્ય કોઈ નેતાને મુખ્યપ્રધાન બનાવે એવી સંભાવના સુનિશ્ચિત બનતાં પનિરસેલ્વમ સક્રિય બન્યા અને વિદ્રોહી મિજાજ ધારણ કર્યો.

શશિકલાને સજા થાય તો એ સ્થિતિમાં મુખ્યપ્રધાન બનવા માટે સાંસદ થમ્બીદુરાઈ બાજી ગોઠવી રહ્યાની વાત પનિરસેલ્વમના ધ્યાનબહાર ન હોય એ સ્વાભાવિક છે. શશિકલાને જો તેમના પર વિશ્વાસ જ ન હોય તો પછી તેમને માટે ખુરશી શા માટે ખાલી કરવી જોઈએ એવો સેકન્ડ થૉટ તેમના મનમાં આકાર ધારણ કરે એમાં નવાઈ નથી. આ બધો જો અને તોની સંભાવનાઓથી ભરપૂર ઘટનાક્રમ તામિલનાડુમાં રાજકીય અસ્થિરતાના જ સંકેતો આપનારો હતો. એ સ્થિતિમાં રાજ્યપાલે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં વિલંબ કર્યો હોય તો એ રાજ્યના હિતમાં જ રહ્યો છે. તેમાં દિલ્હીના દોરીસંચારને નિહાળવો એ માત્ર અટકળથી વધુ કાંઈ હોવાની સંભાવના નથી.

તામિલનાડુની વર્તમાન રાજકીય સ્થિતિનો લાભ કે ગેરલાભ લેવાના પ્રયાસ ભાજપ દ્વારા થઈ રહ્યા હોવાના તર્કનો સાવ ઇનકાર થઈ શકે તેમ નથી, પરંતુ આ વાતને સ્વીકારીએ તો સામે પક્ષે એ વાતને પણ સ્વીકારવી પડે તેમ છે કે કોંગ્રેસ પણ આવા લાભ કે ગેરલાભ લેવાના પ્રયાસમાં વ્યસ્ત રહી છે. અથવા એમ પણ કહી શકાય કે ભાજપ સ્થિતિનો લાભ લેવામાં સફળ ન બને એવા કોંગ્રેસના પ્રયાસ રહ્યા હોવાનું અનુમાન છે. આ પ્રયાસના ભાગ રૂપે જ શશિકલા તેમની ગેરહાજરીમાં તેમના સ્થાને પનિરસેલ્વમને બદલે અન્ય કોઈને ગાદી સોંપીને જાય એ સુનિશ્ચિત કરવા-કરાવવામાં કોંગ્રેસની ભૂમિકા હોઈ શકે, કેમ કે પનિરસેલ્વમનો ઝુકાવ કેન્દ્રની વર્તમાન સરકારની તરફેણ હોવાનું જગજાહેર છે.

આ ઝુકાવ ભાજપને રાજ્યસભામાં લાભદાયી બને. એ સિવાય તામિલનાડુના રાજકારણમાં તત્કાલ પ્રત્યક્ષ કોઈ લાભની સ્થિતિ ભાજપ માટે કે કોંગ્રેસ માટે નિર્માણ થવાની દૂર સુધી કોઈ શક્યતા નથી. રાજ્ય વિધાનસભાની ચૂંટણીને હજુ ચાર વર્ષની વાર છે. કોંગ્રેસની પરોક્ષ સક્રિયતાનો સંકેત આપનારી ઘટના એ પણ રહી કે શશિકલાના પતિ નટરાજન થોડાં સપ્તાહ પહેલાં દિલ્હી આવ્યા હતા અને તેઓ કોંગ્રેસના કેટલાક નેતાઓને મળ્યા પણ હતા. આમ, પડદા પાછળના રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસ બંને સક્રિય હોવાની વાત સ્વીકારવી પડે.

સર્વોચ્ચ અદાલતે શશિકલાને ચાર વર્ષની સજા અને દસ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. શશિકલા હવે દસ વર્ષ સુધી ચૂંટણી પણ નહીં લડી શકે. એ સ્થિતિમાં સરકાર તો ઠીક જેલમાં રહીને પક્ષ પર પણ વર્ચસ્વ ટકાવી રાખવાનું તેમને માટે મુશ્કેલ બનવાનું છે.
http://sambhaavnews.com/

You might also like