‘હિંદુ પાકિસ્તાન’ કોમેન્ટ પર શશી થરુરને કોર્ટનો સમન્સ

નવી દિલ્હી: કોંગ્રેસ સાંસદ અને વરિષ્ઠ નેતા શશી થરુરને તેમની ‘હિંદુ પાકિસ્તાન’વાળી કોમેન્ટને લઇને કોલકાતાની અદાલતે સમન્સ બજાવ્યો છે. શશી થરુરે તાજેતરમાં તિરુવનંતમપુરમ્ ખાતે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે જો ભાજપ ર૦૧૯માં લોકસભાની ચૂંટણી જીતશે તો અમારું માનવું છે કે આપણું લોકતાંત્રિક બંધારણ બચશે નહીં. ભાજપ લોકતાંત્રિક બંધારણના પાયાના સિદ્ધાંતોને તહસનહસ કરવા એક નવું બંધારણ લખશે. તેમનું નવું બંધારણ ‌હિંદુ રાષ્ટ્રનાં સિદ્ધાંત પર આધારિત હશે.

લઘુમતીઓનેે મળતી સમાનતા ખતમ કરી નાખવામાં આવશે અને ભારત હિંદુ પાકિસ્તાન બની જશે. શશી થરુરનાં આ નિવેદનને લઇને સુમિત ચૌધરી નામના વકીલે તેમના પર બંધારણનું અપમાન અને ધાર્મિક લાગણીઓને દુભાવવાનો આરોપ મૂકીને અેક કેસ દાખલ કર્યો હતો. કોલકાતાની અદાલતે આ કેસ પર સુનાવણી કરતાં શરી થરુરને ૧૪ ઓગસ્ટના રોજ અદાલતમાં હાજર થવા સમન્સ બજાવ્યો છે.

અહેવાલો અનુસાર શશી થરુરની હિંદુ પાકિસ્તાનવાળી ટિપ્પણીના ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે. માત્ર ભાજપ અને સંઘમાં જ નહીં પણ કોંગ્રેેસ પક્ષમાં પણ અંદરખાને શશી થરુર પર આ પ્રકારનું નિવેદન કરવા બદલ ભારે નારાજગી પ્રવર્તે છે. કોંગ્રેસના કેટલાક સૂત્રોનું કહેવું છે કે શશી થરુરનાં આ વિવાદાસ્પદ નિવેદનને કારણે લોકસભાની આગામી ચૂંટણીમાં હિંદુ મતો પ્રભાવિત થશે અને કોંગ્રેસને ચૂંટણીમાં નુકસાન થશે.

You might also like