મુંબઇઃ બોલિવુડના અભિનેતા શશિ કપૂરના અંગત તેમજ પ્રોફેશનલ જીવનની કેટલીક અજાણી બાબતોને લઇને પત્રકાર અસીન છાબડાએ પોતાની પુસ્તક “શશિ કપૂર-ધ હાઉસહોલ્ડર, ધ સ્ટાર” દ્વારા લોકો સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો છે. આ પુસ્તક દ્વારા તમે બધા જ શશિ કપૂરના જીવનની કેટલીક એવી બાબતો જાણી શકશો જે માત્ર તેમનો પરિવાર જ જાણે છે. તેમની બાયોગ્રાફ્રિમાં તેમના ઘણા પાસોઓ તમે જાણી શકશો. એક પુત્રના રૂપમાં તેમની છબી કેવી હતી, એક પતિ તરીકે તેમણે કેવી ફરજો નિભાવી હતી અને એક પિતા તરીકે કરણ, કુણાલ અને સંજય માટે તેમેણે તેમની ફરજ કેવી રીતે અદા કરી તે તમામ બાબતો પર પ્રકાશ પાડવાનો પ્રયાસ કર્યો છે.
આ પુસ્તકમાં તેમના જીવનની દરેક બાબતોને ખૂબ જ સુંદર રીતે વર્ણવામાં આવી છે. 2015માં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત અને ત્રણ વખત નેશનલ વિજેતા બનેલા શશિ કપૂરે રાજ કપૂરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ “આવારા” દ્વારા અભિનયની દુનિયામાં પગરણ માંડ્યા હતા. ત્યાર બાદ તેમની ફિલ્મ “વક્ત”, “દિવાર”, “ત્રિશૂલ”માં તેમણે અભિનયની ઉમદા છાપ છોડી હતી. આ સિવાય તેમણે “જુનૂન”, “કળયુગ”, “ઉત્સવ” જેવી ફિલ્મોમાં પણ તેમના અભિનયના જલ્વા દર્શાવ્યા હતા. શશિ કપૂરના જીવનને રજૂ કરતી આ બાયોગ્રાફ્રિ 6 મેના રોજ પ્રકાશિત કરવામાં આવશે.