કરેગા સો ભરેગા, તૂ ક્યોં ભયો ઉદાસ

આપણાં શાસ્ત્રોમાં તથા જૈન આગમ ગ્રંથોમાં કર્મવાદ ઉપર ખૂબ જ લખાયું છે. આ બંને ધર્મનાં શાસ્ત્રોમાં તો કર્મમય જગ કરિ રાખા કહેવાયું છે. જે જેવું કરે છે તે તેવું ભોગવે છે. એટલે જ સંત કબીરદાસે લખ્યું છે કે
કબીરા તેરી ઝોંપડી,
ગલ કટિયન કે પાસ
કરેગા સો ભરેગા,
તૂ ક્યોં ભયો ઉદાસ

જે મનુષ્ય કર્મ કરતી વખતે તેમાં જેટલો રસ રેડે તેટલા જ ભાવથી તે કર્મ તેને ચોંટે છે. કર્મનાં ગણિતમાં ભાવથી કે રસથી કર્મનો ગુણાકાર થાય છે. કોઇને દુઃખ આપો કે તરત તમારાં સંચિત કર્મો દુઃખનાં બંધાશે જ. વાત એટલેથી નથી પૂરી થતી. એ કર્મ બાંધતી વખતે તમે તેમાં જેટલો રસ રેડશો, તેમાં જેટલું તમે મન પરોવશો, તે તમામ ઉપર યથાતથા કર્મ બંધાશે. તે કર્મ કર્મરાજાના ચોપડામાં ગુણાકાર થઇ નોંધાઇ જશે.

જીવ હસતાં હસતાં જે કર્મ બાંધે છે તે કર્મ તેને રડતાં રડતાં ભોગવવું પડે છે તેનો તેને ખ્યાલ રહેતો નથી. ક્યારેય કોઇને તેના પ્રિયજનથી વિયોગ ન કરાવશો. કોઇને કાંઇ ગમતું હોય, કોઇ વસ્તુ વહાલી લાગતી હોય તો તે તેનાથી દૂર ન લઇ જશો. કોઇને ગમતી વસ્તુ લઇ લેવાથી ચોરીનો તો દોષ લાગે જ છે. સાથેસાથે વહાલી વસ્તુ કે વ્યક્તિનો વિયોગ કરવાથી કે કરાવવાથી જે તે જીવને જે દુઃખ લાગે છે તેથી તેનું બહુ મોટું કર્મ બંધાય છે. પરિણામે કોઇ ભવમાં ભારે વિરહની વેદના વેઠવી પડે છે.

મળેલી સત્તાનો સદુપયોગ કરો. સત્તાનો સહેજ પણ દુરુપયોગ કરશો તો કેટલાય ભવ કેટલાય જન્માંતર બગડશે. સત્તાનો સહેજ પણ ઘમંડ મગજમાં સવાર થયો કે સત્તાના તોરમાંથી નિર્દોષોને દંડ્યા તો સમજજો કે ઇશ્વર તમારાથી વિમુખ થઇ જ ગયા. હસતાં હસતાં કરેલાં કર્મો રોતાં રોતાં ભોગવવાં પડશે. મરેલાને મારતાં નહીં. પડેલાંને બેઠાં કરજો. તમારો જન્મ સફળ કરજો. તમને જોઇ કોઇ પોતાનું મોં ફેરવે નહીં તે જોજો. તમને જોઇ બધાં આનંદથી હસુ હસુ થઇ જાય તેવું વર્તન દાખવજો.

જગત આખું કર્મના સિદ્ધાંત પર ચાલે છે. જે જેવું કરશે તેવું તેને ભોગવવું પડશે. જેનો વિનાશ થવાનો છે તે પોતાનું હિત સમજી શકતો નથી. કોઇને સુખ શાંતિ લેવા ન દઇએ, કોઇને સુખેથી ખાવા પીવા ન દઇએ, કોઇને કોઇ કાંઇ આપતું હોય તેમાં આડી જીભ નાખી તેને મળતો લાભ અટકાવવો, કોઇના અંતરાયમાં આપણે રાચીએ તો આપણને દુઃખ જ પડશે. જે જે દુઃખ આપણે કોઇનાં જીવનમાં ઊભાં કર્યાં હોય તે તે દુઃખ આપણને પણ મળશે જ. તેમ સમજી ખોટાં કર્મો કરતાં અટકી જાવ.
ભર્યાં ભાણાં ખવાય નહીં, સુંદર પત્ની સાથે રહેવાય નહીં, દોમ દોમ સાહ્યબી ઘરમાં હોય છતાં બે ટાઇમ ખીચડી ખાવી પડતી હોય તો સમજજો કે યે સબ મોર પાપ પરિણામા. આ બધાં કારણ આપણાં જ પાપનાં પરિણામ છે. જે અંતરાય તમને ખપતો નથી, જે અંતરાય તમને ગમતો નથી તે અંતરાય બીજાનાં જીવનમાં ન પાડો. તો આવતા ભવોમાં તેવો અંતરાય તમારે ભોગવવો નહીં પડે.

કર્મસત્તા કોઇનેય છોડતી નથી. તેની પાસે કોઇનીય લાગવગ ચાલતી નથી. કર્મ કોઇનીય શેહશરમ રાખતું નથી. પુણ્ય ભોગવતો મનુષ્ય અપાર સત્તા ભોગવે છે. તે વખતે તેને ખ્યાલ નથી રહેતો કે તે પુણ્યકર્મથી મળેલી સત્તામાં જો સહેજ પણ ગફલત કરશે તો તેને અપાર કષ્ટ મળશે. પાપની પરંપરા સર્જાશે. માટે સત્તા ભોગવતી વખતે ખૂબ સાવધ રહો. સમતા ભાવ ધારણ કરો. ધર્મકાર્ય કરતા રહો. પોતાનાે ભવ ન બગાડશો. તો જ પુણ્યની પરંપરા બંધાશે.

પાપ કર્મનો ભોગવટો ચાલતો હોય, સંજોગો વિપરીત હોય, ગરીબાઇ હોય, અપમાન વેઠવાં પડતાં હોય, અપકીર્તિનો યોગ હોય, સગાં સાથ આપતાં ન હોય, બધું વિપરીત થતું હોય તો સમતા ધારણ કરજો. પાપ કર્મો હસતાં હસતાં ભોગવજો. ધર્મ સદાચારથી ચલિત ન થશો. દુરાચારથી દૂર રહેશો. તો માનજો કે તમારા આગલા જન્મો, ભવો તમારા આ‍વતા જન્મો કે ભવમાં સુખનો સૂર્યોદય લઇને આવશે.
– શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like