મને એકલો ન પાડી દેતાઃ સજા બાદ પાકિસ્તાનવાસીઓને શરીફની અપીલ

ઈસ્લામાબાદ: ભ્રષ્ટાચારના મામલે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ૧૦ વર્ષ અને તેમની પુત્રી મરિયમને સાત વર્ષ જેલની સજા કોર્ટે સંભળાવી છે. ત્યારે આ સજા બાદ નવાઝ શરીફે હવે આખરી દાવ ખેલી પાકિસ્તાનના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે તેઓ તેમની લડાઈ હજુ ચાલુ જ રાખવાના છે તેથી આવી લડાઈમાં મને તમે સાથ આપજો એકલો ન પાડી દેતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમને આવી સજા એટલા માટે મળી છે કે હુંં પાકિસ્તાનના લોકોને કેટલાક સેનાના વડાઓ અને ન્યાયાધીશોની ગુલામીમાંથી મુક્ત કરાવવાની કોશિશ કરતો હતો. આ પહેલાં ગઈ કાલે સાત દિવસ નિર્ણય ટાળવાની નવાઝ, મરિયમ અને સફદરની અરજી એકાઉન્ટિબિલિટી કોર્ટે રદ કરી લીધી હતી.

લંડનમાં ગેરકાયદે રીતે એકઠી કરેલી સંપત્તિ કેસમાં આ ચુકાદો આવ્યો છે. આ ચુકાદા બાદ હવે મરિયમના રાજકીય ભવિષ્ય સામે સવાલો ઊભા થયા છે. શરીફ પરિવાર તરફથી કુલસુમ નવાઝની ખરાબ તબિયતનો હવાલો આપીને, આગામી ૪૮ કલાક પરિવારે તેમની સાથે રહેવું જરૂરી છે તેવી દલીલ કરવામાં આવી હતી.

ઇસ્લામાબાદ કોર્ટે ગત બુધવારે એવેન્ફિલ્ડ સંપત્તિ ભ્રષ્ટાચાર મામલે શુક્રવારે ચુકાદો સંભળાવવાનો નિર્ણય કર્યો હતો. આ મામલે નવાઝ શરીફ અને મરિયમ બંને આરોપી છે. કોર્ટે આ બંનેનેે કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કર્યું હતું. સામે પક્ષે નવાઝ અને મરિયમે બુધવારે જ સાત દિવસની છૂટ આપવાની અપીલ કરી હતી.

એવેન્ફિલ્ડ કેસ નવાઝ શરીફ સામેના ચાર ભ્રષ્ટાચારના આરોપોમાંથી એક છે. આ કેસમાં નવાઝ શરીફે લંડનના એવેન્ફિલ્ડ હાઉસમાં ચાર વૈભવી ફ્લેટ લીધા છે. બુધવારે લંડનથી નવાઝ શરીફે જણાવ્યું હતું કે, હું કોર્ટ રૂમમાં ઉભા રહીને ફેંસલો સાંભળવા ઇચ્છું છું. મેં અને મારી પુત્રીએ ૧૦૦ થી વધુ કેસની સુનવણી સાંભળી છે.

You might also like