પઠાણકોટ હુમલાના દોષીઓ સામે કાર્યવાહીની શરીફની મોદીને ખાતરી

નવી દિલ્હી : પઠાણકોટ હુમલા અંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને આતંકવાદીઓ સામે તત્કાળ અને નિર્ણાયક કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. હાલ શ્રીલંકાની મુલાકાતે ગયેલા નવાઝ શરીફે મોદી સાથે આ હુમલા અંગે ચર્ચા માટે ફોન પર વાત કરી હતી અને પાકિસ્તાન તરફથી શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. બીજી બાજુએ અમેરિકાએ પણ આશા વ્યક્ત કરી હતી કે આ હુમલો કરનારા સામે પાકિસ્તાને કાર્યવાહી કરવી જોઈએ.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એક ટૂંકા નિવેદનમાં જણાવ્યું હતું કે આજે બંન્ને નેતાઓ વચ્ચે ફોન પર થયેલી વાતચીતમાં મોદીએ પાકિસ્તાનને પઠાણકોટ ત્રાસવાદી હુમલા માટે જવાબદાર અને તેની સાથે સંકળાયેલા સંગઠનો અને વ્યક્તિઓ સામે ભારતે પૂરી પાડેલી ચોક્કસ અને પગલા લઈ શકાય તેવી માહિતીના આધારે તાત્કાલિક અને નક્કર પગલાં લેવાની જરૂર પર ભાર મૂક્યો હતો. શરીફે મોદીને ખાતરી આપી હતી કે તેમની સરકાર ત્રાસવાદીઓ સામે ઝડપી અને નિર્ણાયક કાર્યવાહી કરશે .

તેમણે જણાવ્યું હતું કે પઠાણકોટ હુમલાની તપાસમાં પાકિસ્તાન સંપૂર્ણ સહયોગ કરશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અગાઉ ભારત સરકારે પાકિસ્તાનને આ હુમલામાં ઉપયોગમાં લેવાયેલા સાધનો પાકિસ્તાનના હોવા વિશેના પૂરાવા આપ્યા હતા. તેમાં કોલ ડિટેલ્સ, નક્શા, આતંકીઓના સૂત્રધારોના નંબર અને સરહદ પારથી ઘૂસણખોરીના પૂરાવાનો સમાવેશ થાય છે.

આ અગાઉ ભારતના રાષ્ટ્રીય સલાહકાર અજીત દોભાલે તેમના પાકિસ્તાની સમકક્ષ નસીર જંજુઆને પૂરાવા આપતા નક્કર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ અંગે પાકિસ્તાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમે કામગીરી શરૂ કરી દીધી છે. દરમ્યાન, અમેરિકાએ પણ આશા વ્યક્ત કરી છે કે પઠાણકોટમાં એરબેઝ પર હુમલો કરનારા સામે પાકિસ્તાન કાર્યવાહી કરશે. અમેરિકાના એક ઉચ્ચ અધિકારીએ આ વાત કરી હતી.

આ વાત એવા સમયે આવી હતી કે જેના થોડા કલાકો અગાઉ પાકિસ્તાને જણાવ્યું હતું કે તે ભારતે પૂરી પાડેલી માહિતી પર કામ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા જોન કિર્બીએ ગઈકાલે જણાવ્યું હતું કે પાકિસ્તાન સરકારે આ બાબતે ભારે દ્રઢતાપૂર્વક વાત કરી છે અને અમને આશા છે કે તેણે જે કહ્યું છે તે મુજબ જ કાર્યવાહી કરશે.

કિર્બીએ ઉમેર્યું હતું કે અમે દક્ષિણ એશિયાના તમામ દેશોને અપીલ કરીએ છીએ કે તેઓ આતંકવાદી નેટવર્કને અટકાવવા અને તેનો સફાયો કરવા માટે અને આ હુમલો કરનારાને ન્યાયના કાર્યક્ષેત્રમાં લાવવા માટે કાર્યવાહી કરે.

You might also like