ભારતના પુરાવા પર પગલાંનો શરીફનો આદેશ

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે પઠાણકોટ એરબેઝ હુમલાના સંદર્ભમાં ભારત દ્વારા આપવામાં આવેલી માહિતીના આધાર પર તપાસનો આદેશ કરી દીધો છે. ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મુજબનો આદેશ કરવામાં આવ્યો છે. એક અગ્રણી ચેનલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, તીવ્ર દબાણ હેઠળ પાકિસ્તાન ભારત દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા પુરાવામાં તપાસ કરવા સંમત થઇ છે. ઇન્ટેલિજન્સ બ્યૂરોના વડા આફતાબ સુલ્તાનને ભારત દ્વારા આપવામાં આવેલા પુરાવા આપી દેવામાં આવ્યા છે.

બેઠકને સંબોધતા વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદ વિરોધી પ્રયાસોમાં ભારતને મદદ કરવા માટે તૈયાર છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નાસિર ખાનને ભારતીય સમકક્ષ અજીત દોવલ સાથે સંપર્કમાં રહેવા પણ કહેવામાં આવ્યું છે. પઠાણકોટ ત્રાસવાદી હુમલા બાદ મંત્રણા ખોરવાઈ ન પડે તે માટે વાતચીતને જારી રાખવા પણ કહેવામાં આવ્યું છે. અન્ય એક અધિકારીનું કહેવું છે કે, હજુ પણ ભારત દ્વારા વધુ પુરાવા આપવામાં આવી રહ્યાં છે. જો કે, પાકિસ્તાન ભારત દ્વારા આપવામાં આવેલા પુરાવાને લઇને દુવિધાભરી સ્થિતિમાં છે.

પાકિસ્તાન ત્રાસવાદીઓ સામે નક્કર કાર્યવાહી કરવાના મુડમાં દેખાઈ રહી નથી. હજુ સુધી આવા કોઇ પગલા પણ લેવામાં આવ્યા નથી. જો કે, આગામી દિવસોમાં પાકિસ્તાન કોઇ પગલા લઇને ભારતનો વિશ્વાસ જીતવા પ્રયાસ કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબના પઠાણકોટમાં એરફોર્સ બેઝને ટાર્ગેટ બનાવીને બીજી તારીખે વહેલી પરોઢે ત્રણ વાગે ત્રાસવાદીઓએ ભીષણ હુમલો કરી દીધો હતો. સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે ત્યારબાદ જોરદાર સામસામે ગોળીબારની રમઝટ શરૃ થઇ હતી.

કલાકો સુધી દિલધડક ઓપરેશન ચાલ્યા બાદ પાંચ ત્રાસવાદીઓને મોતને ધાટ ઉતારી દેવામાં આવ્યા હતા. એવી શંકા પણ છે કે પઠાણકોટ એરબેઝ ખાતે પહોંચતા પહેલા ત્રાસવાદીઓ માટે પહોંચાડી દેવામાં આવ્યા હતા. છ લોકો આટલી મોટી સંખ્યામાં હથિયારો લાવવાની સ્થિતિમાં ન હતા. હથિયારોમાં સુધારા કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની નવાઝ શરીફ સરકારને જો પઠાણકોટ એરબેઝના હુમલાખોરો પાકિસ્તાની હોવાનો શક હોય તો આ સમાચાર તેમની શંકાઓને દૂર કરી દેશે.

પઠાણકોટ ત્રાસવાદી હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનો વધુ એક પુરાવો મળ્યો છે. હુમલાખોરોના ઉસ્તાદનો નંબર +૯૨૩૦૦૦૫૯૭૨૧૨ છે. અત્યાર સુધીમાં બે નંબર સામે આવ્યા છે જેનું રહસ્ય બહાર આવતા તમામ સત્ય હકીકત સામે આવી શકે છે. આ નંબર છે ૯૨૩૦૧૭૭૭૫૨૫૩ અને + ૯૨૩૦૦૦૫૯૭૨૧૨ આ બંને નંબર પાકિસ્તાની છે અને આ બંને નંબરોથી હુમલાખોરોએ ભારત પહોંચ્યા બાદ પાકિસ્તાનમાં કોલ કરવામાં આવ્યા હતા.

એક વાત તો પહેલેથી જ બહાર આવી છે કે એક હુમલાખોરે જુલર રાજેશ વર્માના ફોનથી પોતાની માતા સાથે વાત કરી હતી. તપાસ એજન્સીઓએ આ નંબરની કોલ ડિટેઇલ્સ મેળવી લીધી છે અને આ બંને પાકિસ્તાનના ફોન નંબર છે અને જેના પર ત્રાસવાદીઓએ અનેક વખત વાત કરી હતી. ભારતે ત્રાસવાદીઓના આકાઓની પણ ઓળખ કરી લીધી છે. મુખ્ય સૂત્રધાર મૌલાના મસુદ અઝહર હતો. ત્રાસવાદીઓ ભારતમાં આવ્યા બાદ પાકિસ્તાન સ્થિત પોતાના આકાઓના સંપર્કમાં હતા.

પંજાબમાં દાખલ થયેલા ત્રાસવાદીઓ પોતાના આકાઓ સાથે સતત ઉસ્તાદના સંબોધનથી વાત કરતા હતા. પ્રથમ કોલ ઉપરોકત નંબર પર ૩૧મી ડિસેમ્બરના રોજ રાત્રે ૯.૧ર કલાકે કરવામાં આવ્યો હતો. આ વાતચીતમાં ત્રાસવાદીઓએ ટેકસી ડ્રાઇવર ઇકાગરના ફોનનો ઉપયોગ કર્યો હતો અને તેની બાદમાં હત્યા કરી દીધી હતી. ઉસ્તાદ અને ત્રાસવાદીઓ વચ્ચેની વાતચીતમાં એક વખત પાકિસ્તાનમાં બેઠેલો ઉસ્તાદ એરબેઝમાં પહોંચવામાં થઇ રહેલા વિલંબ અંગે ઉશ્કેરાતો હતો. ડ્રાઇવર ઇકાગરના ફોનથી માત્ર એક કોલ કરવામાં આવ્યો હતો.

જયારે તેના ફોન ઉપર ચાર કોલ રિસીવ થયા હતા. ઇકાગરે પોતાના ફોનથી કોઇ સાથે વાત કરી ન હતી. બીજી તરફથી ઇકાગરને મારી નાખવાના હુકમો થતા હતા. તેના ફોનથી પાકિસ્તાનમાં બેઠેલા ઉસ્તાદને મીસકોલ થયો હતો કે જેથી એ બતાવી શકાય કે તેઓ પોતાના ટાર્ગેટ પાસે પહોંચી ચુકયા છે. બીજા કોલ હુમલા દરમિયાન એક ત્રાસવાદીએ પોતાની માતા સાથે વાત કરી હતી. જેમાં તેણે સ્યૂસાઇડ મિશન પર હોવાનુ જણાવ્યું હતું. તે પછી તેની માતા હતાશામાં સલામતીની દુઆ દેતી હતી.

દરમિયાન આ હુમલા પાછળના આકાઓની ઓળખ થઇ ચુકી છે. મુખ્ય સૂત્રધાર મૌલાના મસુદ અઝહર હતો. ચાર હેન્ડલર્સની ઓળખ પણ થઇ છે. તે છે અશફાક અહેમદ, હાફીઝ અબ્દુલ, મસુદ અઝહર અને તેનો ભાઇ અબ્દુલ રઉફ અઝગરના સ્વરૃપમાં થઇ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હુમલાનું ષડયંત્ર પાકપંજાબના મરકજમાં રચાયું હતું. મૌલાના મસુદને ભારતે અગાઉ છોડી મુકયો હતો. તે જૈશનો વડો છે. તેણે રજી જાન્યુઆરીના રોજ પાકિસ્તાનમાં બેસીને ફોન ઉપર ત્રાસવાદીઓને પઠાણકોટ એરબેઝ ફૂંકી મારવાનો હુકમ આપ્યો હતો.

પઠાણકોટમાં થયેલા આતંકી હુમલાને લઈને પાકિસ્તાન સરકારે પણ હવે કડક વલણ અપનાવ્યું છે. હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના પુરાવા મળવા પર વડા પ્રધાન નવાઝ શરીફે ઉચ્ચસ્તરિય બેઠક બોલાવી હતી અને પાકિસ્તાન તરફથી હવે આગામી ૭૨ કલાકમાં કોઈ મોટા સમાચાર મળશે એવો પાકિસ્તાનના પત્રકાર હામિદ મીરે દાવો કર્યો છે. એક ટીવી ન્યૂઝ ચેનલ સાથેની ખાસ ચેનલમાં પત્રકાર હામિદ મીરે જણાવ્યું હતું કે પાકિસ્તાન પઠાણકોટના આતંકી હુમલાના સંદર્ભમાં કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.

જોકે હુમલા સાથે સંકળાયેલ કોઈ પણ શખસની ધરપકડ થવા અંગે તેણે કંઈક કહેવાનો ઈનકાર કર્યો હતો. હામિદ મીરે જણાવ્યું હતું કે આ બેઠકમાં નવાઝ શરીફ ઉપરાંત પાક.ના સંરક્ષણ પ્રધાન, ગૃહ પ્રધાન અને વિદેશ બાબતોના સલાહકાર પણ હાજર હતા. આ ઉપરાંત પાકિસ્તાનના એન.એસ.એ. નસીરખાન ઝાઝુઆ, વિદેશ સચિવએઝાઝ અહેમદ, આઈબીના ડીજી આફતાબ સુલતાન પણ હાજર હતા.

વિદેશ સચિવ સ્તરની વાટાઘાટ રદ થવાના પ્રશ્ન પર હામિદ મીરે જણાવ્યું હતું કે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી પાકિસ્તાનને જે પુરાવા આપવામાં આવ્યા છે તેના આધારે હવે નવાઝ શરીફ પર કાર્યવાહી કરવાનું દબાણ વધ્યું છે. બંને દેશ વચ્ચે હવે વાતચીત ચાલુ રહેશે કે સ્થગિત થઈ જશે તે અત્યારે કહી શકાય તેમ નથી.

આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ ગણાતા મૌલાના મસૂદ અઝહર અને ત્રણ અન્ય હેન્ડલરને લઈને હામિદ મીરે વધુમાં જણાવ્યું હતું કે પુરાવાના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે અન્ય કેટલાક લોકો અંગે માહિતી મળી છે. નવાઝ શરીફે આ અંગે કેટલીય બેઠક યોજી છે અને હવે કોઈ જરૃરી પગલાં ભરવા માટે સક્રિય વિચારણા ચાલી રહી છે.

You might also like