શરીફખાનનો ગેંગસ્ટર પિતરાઈ ભાઈ દાઉદ લાલા જુહાપુરામાંથી ઝડપાયો

અમદાવાદ: દાઉદ ઇબ્રાહીમની ગેંગના શરીફખાનના પિતરાઇ ભાઇની ગુજરાત એટીએસે જુહાપુરામાંથી ધરપકડ કરી છે. ગેંગસ્ટર તરીકે રાજસ્થાનમાં નામચીન એવા આરોપીએ રાજસ્થાનના અનેક શહેરમાં ગુનાને અંજામ આપ્યો છે. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી રાજસ્થાન પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત એટીએસના અધિકારીને બાતમી મળી હતી કે રાજકોટનાં નિંગોળા હત્યા કેસનો વોન્ટેડ આરોપી દાઉદ લાલા જુહાપુરામાં આવવાનો છે. જેના આધારે ગુજરાત એટીએસની ટીમે વોચ ગોઠવી આરોપીની ધરપકડ કરી હતી.

આરોપીની પૂછપરછ દરમ્યાન તેણે રાજસ્થાનમાં અનેક ગુનાને અંજામ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. દાઉદલાલાએ રાજસ્થાનમાં ૧પ જેટલા ગુના આચર્યા છે. દાઉદ લાલા અને દાઉદ ઇબ્રાહીમની ગેંગના શરીફખાનનો પિતરાઇ ભાઇ છે. પોતાની ઓળખ છુપાવી અને અલગ અલગ જગ્યાએ રહેતો હતો. એટીએસની ટીમે હાલ આરોપી દાઉદ લાલાની ધરપકડ કરી અને રાજસ્થાન પોલીસને સોંપવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૯૯૭માં દરિયાપુર વિસ્તાર માઢના મોહલ્લા નજીક આવેલા ઓટો ગેરેજમાં શરીફખાન છૂપાયો હોવાની બાતમી તત્કાલીન નાયબ પોલીસ કમિશનર ગીથા જોહરીને મળતા પોલીસે મોડી રાત્રે ગેરેજ પર છાપો માર્યો હતો અને શરીફખાનને આબાદ ઝડપી લીધો હતો.

આ અગાઉ ઓઢવના ચકચારી રાધીકા જીમખાના હત્યાકાંડમાં પણ શરીફખાને મહત્વની ભૂમિકા ભજવી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું હતું. શરીફખાન અમદાવાદની ઘીકાંટા કોર્ટમાંથી પોલીસને થાપ આપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો અને હાલમાં પણ તે ફરાર છે. શરીફખાને અમદાવાદમાં લતીફની સાથે રહી અનેક ગુનાઓ આચર્યા હતા. હાલમાં શરીફખાન પાકિસ્તાનમાં હોવાનું મનાઇ રહ્યું છે.
http://sambhaavnews.com/

You might also like