રાજ્યની મોટા ભાગની કંપનીઓના શેરમાં એક મહિનામાં સુધારાની ચાલ

અમદાવાદ: શેરબજારમાં એક સપ્તાહથી સળંગ તેજીની ચાલ જોવા મળી રહી છે. નિફ્ટીએ ૧૦,૩૫૦ની સપાટી ક્રોસ કરી દીધી છે, જોકે છેલ્લા એક મહિનાનો ડેટા જોઇએ તો સેન્સેક્સમાં માત્ર ૩.૨૮ ટકાનો સુધારો જોવા મળ્યો છે, જેની સામે ગુજરાતની મોટા ભાગની લિસ્ટેડ કંપનીના શેરમાં ઉછાળાની ચાલ નોંધાતી જોવા મળી છે. ખાસ કરીને અદાણી એન્ટરપ્રાઇઝ કંપનીના શેરમાં છેલ્લા એક મહિનામાં ૨૧ ટકાનો ઉછાળો જોવાયો છે, જ્યારે સદ્ભાવ એન્જિનિયરિંગ કંપનીના શેરમાં ૨૩ ટકાનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે.

શેરબજારના જાણકારોના કહેવા પ્રમાણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી મહિને છે. મોટા ભાગની ઓપિનિયન પોલ એજન્સીના મત મુજબ આ વિધાનસભાની ચૂંટણીમાં શાસક બીજેપીને બહુમતી મળે તેવી શક્યતા વધુ છે. તેના પગલે રાજ્યની લિસ્ટેડ મોટા ભાગની કંપનીઓના શેરમાં ઉછાળાની ચાલ જોવા મળી છે.

અરવિંદ, ગુજરાત પીપાવાવ પોર્ટ, વેલસ્પન ઇન્ડિયા, સિમ્ફની, ગણેશ હાઉસિંગ કંપનીના શેરમાં પણ પાછલા એક મહિનામાં સેન્સેક્સમાં જોવા મળેલા સુધારા કરતા વધુ સુધારો જોવા મળ્યો છે. બજારના નિષ્ણાતોના કહેવા પ્રમાણે વિધાનસભાની ચૂંટણીમાં શાસક બીજેપીને બહુમતી મળે તો નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અકબંધ રહે તેવો સીધો મેસેજ બજારમાં જઇ શકે છે.

આ સેન્ટિમેન્ટ પાછળ શેરબજારમાં પણ સકારાત્મક ચાલ જોવા મળી રહી છે, જોકે ફાર્માસ્યુટિકલ સેક્ટરના શેરમાં જોવા મળેલા નેગેટિવ સેન્ટિમેન્ટ પાછળ પાછલા એક મહિનામાં ટોરન્ટ ફાર્મા અને કેડિલા હેલ્થકેર કંપનીના શેર પણ તૂટ્યા હતા. કેડિલા હેલ્થકેર કંપનીના શેરમાં એક મહિનામાં ૭.૭૧ ટકા ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે, જ્યારે ટોરન્ટ ફાર્મા કંપનીના શેરમાં ૬.૮૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જાણકારોના કહેવા મુજબ સેન્ટિમેન્ટ જોતાં આગામી દિવસોમાં પણ ગુજરાતની લિસ્ટેડ કંપનીના શેરમાં સુધારાની ચાલ નોંધાઇ શકે છે.

You might also like