દેશમાં ૧,૩૬૩ લિસ્ટેડ કંપનીના પ્રમોટર્સે શેર ગીરવે મૂક્યા

મુંબઇ: બીએસઇ અને એનએસઇ પર લિસ્ટેડ ૧,૩૬૩ કંપનીઓના પ્રમોટર્સે શેર ગીરવે મૂક્યા છે. કેન્દ્રના નાણાપ્રધાન જયંત સિંહાએ માહિતી આપતાં વધુમાં જણાવ્યું કે દેશમાં ૪,૨૬૮ બીએસઇ લિસ્ટેડ કંપનીમાંથી ૭૯૮ કંપનીના પ્રમોટરોએ અને એનએસઇ પર લિસ્ટેડ ૧,૬૩૩ કંપનીમાંથી ૫૭૦ કંપનીઓના પ્રમોટરોએ શેરને ગીરવે મૂક્યા છે.

કંપનીઓએ સેબીના નિયમ મુજબ ગીરવે મુકાયેલા શેર અંગે વિગતો જણાવવી જરૂરી છે. રોકાણકારના હિતને ધ્યાનમાં લઇને સેબીએ લિસ્ટેડ કંપનીઓના પ્રમોટરો માટે તેમની પાસેના અને તેઓ દ્વારા ગીરો મુકાયેલા શેરની વિગતો એક્સચેન્જ સમક્ષ સાત દિવસમાં આપવાનો નિર્ણય લીધો છે.

દરમિયાન બીએસઇ પર સક્રિય લિસ્ટેડ ૨૦૧ કંપનીઓ અને એનએસઇ પર સક્રિય ૪૨ લિસ્ટેડ કંપનીઓના બોર્ડમાં મહિલા ડિરેક્ટર્સની નિમણૂક કરવાની જોગવાઇના નિયમનું પાલન કર્યું નથી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય વખતથી કંપનીઓ મૂડીની અછતનો સામનો કરી રહી છે તેને કારણે કંપનીઓ દ્વારા શેર ગીરવે મૂકવાનું ચલણ વધ્યું છે.

You might also like