ઇન્દોર ટેસ્ટ પહેલાં ટીમ ઇન્ડિયાને ઝટકોઃ ઈજાગ્રસ્ત ભુવનેશ્વર આઉટ, શાર્દુલ ઇન

ઇન્દોરઃ ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી અને અંતિમ ટેસ્ટ પહેલાં ટીમ ઇન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. શિખર ધવન બાદ હવે ઈજાગ્રસ્ત ભુવનેશ્વરકુમારના સ્થાને મહારાષ્ટ્રના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરી લેવામાં આવ્યો છે. ૨૪ વર્ષીય શાર્દુલ મુંબઈ ક્રિકેટ ટીમ તરફથી રમે છે, જ્યારે આઇપીએલમાં તે તે કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમે છે. શાર્દુલને આ વર્ષે વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને અંતિમ ઈલેવનમાં સ્થાન મળ્યું નહોતું. ભુવનેશ્વરનું ઈજાગ્રસ્ત થવું ટીમ ઇન્ડિયા માટે એક ઝટકો છે, કારણ કે કોલકાતા ખાતેની બીજી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં તેણે પાંચ વિકેટ ઝડપી ન્યૂઝીલેન્ડ બેટિંગની કમર તોડી નાખી હતી. પીઠના સ્નાયુ ખેંચાઈ જવાને કારણે તેને ટીમની બહાર રહેવું પડ્યું છે.

ત્રણ ટેસ્ટ શ્રેણી ભારત પહેલાથી જ જીતી ચૂક્યું છે. ભારતે કાનપુર અને કોલકાતામાં રમાયેલી બંને ટેસ્ટ જીતી લીધી છે. હવે ત્રીજી અને અંતિમ ટેસ્ટ તા. ૮ ઓક્ટોબરથી મધ્ય પ્રદેશના ઇન્દોર ખાતે શરૂ થઈ રહી છે. આ મધ્ય પ્રદેશના ક્રિકેટ ઇતિહાસની પહેલી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ હશે. આ ટેસ્ટ જીતી લઈને ભારત ક્લીન સ્વિપ કરવા ઇચ્છશે. ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ ગઈ કાલે રાત્રે જ ઇન્દોર પહોંચી ચૂકી છે. આ પહેલાં ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન અંગૂઠામાં ફ્રેક્ચરને કારણે ઇન્દોર ટેસ્ટમાંથી બહાર ફેંકાઈ ગયો છે. તેના સ્થાને કર્ણાટકના બેટ્સમેન કરુણ નાયરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

You might also like