કઈ તિથિનું શ્રાદ્ધ ક્યારે ઊજવશો?

આપણાં શાસ્ત્રોમાં ભાદરવા માસની પૂનમથી ભાદરવા વદ અમાસને પિતૃપક્ષ કહેવાય છે. આ દિવસોને ઘણા શ્રદ્ધપર્વ કે પિતૃપર્વ કહે છે. આ દિવસો દરમિયાન આપણે આપણા જે તે પૂર્વજ જે તે તિથિએ સ્વર્ગે સિધાવ્યા હોય તે તિથિને અનુલક્ષીને તેમના આત્માની શાંતિ માટે બપોરના ૧રથી ૧ દરમિયાન શ્રાદ્ધ દ્વારા તેમનો આત્મા તૃપ્ત થાય તે માટે આપણે દૂધપાક પૂરીનો કાગવાસ કરીએ છીએ. શાસ્ત્રોમાં વર્ણન છે કે કાગડાનું સ્વરૂપ લઇ આપણા પિતૃ આપણાં શ્રાદ્ધ તર્પણ સ્વીકારે છે. આમ કરવાથી જે તે પિતૃ પ્રસન્ન થઇ આપણાં કુટુંબ પર આશિષ વરસાવી જાય છે. જેથી આપણું કુટુંબ સુખી થાય છે. પિતૃપક્ષમાં શ્રાદ્ધ તેમજ તર્પણ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. સાથે જ શાસ્ત્રોમાં એવાં કામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને પિતૃપક્ષ દરમિયાન ન કરવાં જોઈએ. આ નિયમોનું પાલન કરવાથીપણ પિતૃઓના આશીર્વાદ મળે છે. પિતૃપક્ષમાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ દિવસોમાં માંસાહાર ન કરવો. શ્રાદ્ધના સમયમાં નવા કપડાંની ખરીદી ન કરવી કે ન તો નવાં કપડાં પહેરવા. આ સમયમાં ગાય, કૂતરાં અને બિલાડીને નુકસાન ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ. પિતૃપક્ષ દરમિયાન ચણા, મસૂર, સરસવ, મૂળા, દૂધી, કાકડી જેવી વસ્તુઓનું સેવન ન કરવું. જો કોઈ તીર્થસ્થળે પિંડદાન કે શ્રાદ્ધ કરવું શક્ય ન હોય તો પોતાના ઘરના આંગણે જમીન પર જ તર્પણ કરી શકાય છે. પિતૃપક્ષમાં ભોજન કરવાનાર બ્રાહ્મણે પણ શ્રાદ્ધ નિમિત્તનું ભોજન કરતાં પહેલાં અને પછી અન્ય કોઈ વસ્તુ ગ્રહણ ન કરવી.ઘરમાં ક્યારેય વડીલોનો નિરાદર ન કરવો. તેમની કોઈ વાતનો વિરોધ કરવો નહીં. પહેલાં તેમને ભોજન કરાવી અને પછી જ ભોજન કરવું.
શ્રાદ્ધ પક્ષમાં શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે. રાત્રે શ્રાદ્ધ નથી કરવામાં આવતું. શ્રાદ્ધનો સમય બપોરે સાડા બાર વાગ્યાથી એક વાગ્યાની વચ્ચે યોગ્ય માનવામાં આવે છે. કાગડા, કૂતરાં અને ગાયો માટે પણ અન્નનો અંશ કાઢે છે કારણ કે આ બધા જીવ યમના ખૂબ નિકટ છે.

તારીખ   વાર       તિથિ                     વિગત
૦૬.૦૯.૧૭ બુધવાર ભાદરવા સુદ પૂનમ માતા, પિતા, પિતામહનું શ્રાદ્ધ-એકમનું શ્રાદ્ધ
૦૭.૦૯.૧૭ ગુરુવાર ભાદરવા વદ એકમ બીજનું શ્રાદ્ધ
૦૮.૦૯.૧૭ શુક્રવાર ભાદરવા વદ બીજ ત્રીજનું શ્રાદ્ધ
૦૯.૦૯.૧૭ શનિવાર ભાદરવા વદ ત્રીજ ચોથનું શ્રાદ્ધ
૧૦.૦૯.૧૭ રવિવાર ભાદરવા વદ ચોથ પાંચમનું શ્રાદ્ધ, ભરણી શ્રાદ્ધ
૧૧.૦૯.૧૭ સોમવાર ભાદરવા વદ છઠ છઠનું શ્રાદ્ધ, કૃતિકા શ્રાદ્ધ
૧ર.૦૯.૧૭ મંગળવાર ભાદરવા વદ સાતમ સાતમનું શ્રાદ્ધ
૧૩.૦૯.૧૭ બુધવાર ભાદરવા વદ આઠમ આઠમનું શ્રાદ્ધ
૧૪.૦૯.૧૭ ગુરુવાર ભાદરવા વદ નોમ નોમનું શ્રાદ્ધ, અવિધવાનોમ
૧પ.૦૯.૧૭ શુક્રવાર ભાદરવા વદ દશમ દશમનું શ્રાદ્ધ
૧૬.૦૯.૧૭ શનિવાર ભાદરવા વદ એકાદશી એકાદશીનું શ્રાદ્ધ
૧૭.૦૯.૧૭ રવિવાર ભાદરવા વદ બારશ બારશ, તેરશ, સંન્યાસીનાં શ્રાદ્ધ
૧૮.૦૯.૧૭ સોમવાર ભાદરવા વદ તેરશ મધા શ્રાદ્ધ, અપમૃત્યુ, અકસ્માત,
અસ્ત્ર, શસ્ત્રથી ઘાયલનું શ્રાદ્ધ
૧૯.૦૯.૧૭ મંગળવાર  ભાદરવા વદ ચૌદશ સર્વપિતૃ અમાસ, ચૌદશ, પૂનમ, અમાસનું શ્રાદ્ધ
ર૦.૦૯.૧૭ બુધવાર ભાદરવા વદ અમાસ મહાલયા સમાપ્ત, માતામહ શ્રાદ્ધ, શ્રાદ્ધ પક્ષ સમાપ્ત

નોંધઃ ભાદરવા વદ પાંચમ ક્ષય તિથિ છે.

કઇ તિથિનું શ્રાદ્ધ ક્યારે ઉજવવું તે ઉપર જણાવેલ છે.•

શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like