પિતૃઓ પ્રત્યેનું સન્માનીય સમર્પણ એટલે શ્રાદ્ધ

દેવનું સતત ધ્યાન, પૂજન તેમજ સ્મરણ કરનારો દેવનાં ઋણમાંથી મુક્ત થતો જાય છે. દેવ થઇને દેવની પૂજા કરવી જોઇએ. દેવો અજરઅમર અને અભય છે તો માનવે પણ તેવા બનવું જોઇએ. માણસે પણ આ ગુણોને પોતાના જીવનમાં સાકારિત કરવાનો સંકલ્પ કરવો જોઇએ. જીવન વિકાસ કરતો કરતો જે દેવની સમીપ જતો જાય છે, દેવનો થતો જાય છે, દેવ થતો જાય છે તે દેવ ઋણમાંથી મુક્ત થાય છે. આ ઋણમાંથી મુક્ત થવાથી ઇચ્છા રાખનારે સતત દેવના થવા તેમજ દેવ જેવા પ્રભાવાન થવા પ્રયત્ન કરવો જોઇએ.
શ્રાદ્ધના દિવસો એટલે ઋષિ તર્પણના દિવસો. ભારતીય સંસ્કૃતિના મહાનતા, ભવ્યતા, દિવ્યતા એ ઋષિઓને આભારી છે. ભારતની આજે પણ વિશ્વમાં કિંમત થાય છે તેનું કારણ આપણા ઋષિઓ છે. ભાવિ પેઢી આનંદમય જીવન જીવે તે માટે નિરપેક્ષ ભાવે લોહીનું પાણી કરી તેમણે દિવ્ય વિચારસરણી આપી. પોતે બળીને લોકોનાં જીવનો પ્રકાશિત કર્યા. તેથી સમાજ તેમનો ઋણી છે. ઋષિઓનું ઋણ અદા કરવા ઋષિના વિચારોનો પ્રચાર કરવો જોઇએ. ઋષિની સંસ્કૃતિ ટકાવવા અને તેનો ફેલાવો કરવા પ્રયત્ન કરવો જોઇએ. જેમણે આપણને જન્મ આપ્યો, જેમની કૃપાથી આપણું નાનાથી મોટા થયા, આપણા કલ્યાણ માટે જેમણે પોતાના સ્વાર્થનો ત્યાગ કર્યો તે પિતૃનું આપણા પર ઋણ છે. કોઇ પણ માનવ નિઃસ્વાર્થ ભાવે આપણું કંઇક કામ કરે, આપણા પર કંઇક ઉપકાર કરે તો આપણે તેના ઋણી થયા કહેવાઇએ. આપણા પિતૃએ આપણા પર અસંખ્ય ઉપકારો કર્યા છે. તેમને તૃપ્તિ થાય તેવું કંઇક કરવું એ જ પિતૃ ઋણમાંથી મુક્ત થવાનો ઉપાય છે. કોઇ કારણવશ પિતા પોતાના જીવનનું નિશ્ચિત ધ્યેય સિદ્ધ ન કરી શકે તો તે સિદ્ધ કરવાની જવાબદારી પુત્રની છે. પુત્રના અભિલાષા પૂર્ણ કરે તો પિતા સંતૃષ્ટ થાય એ સ્વાભાવિક છે. પિતાએ આપેલા ધ્યેયને આગળ વધારે તે સંતાન. આવો પુત્ર જ પિતાનું સાચું તર્પણ કરી શકે. પિતૃ તર્પણ એટલે પિતૃઓને યાદ કરી તેમણે આપેલા ધ્યેય તરફ હું કેટલો આગળ વધ્યો તેનું સરવૈયું કાઢવું. જે જન્મે છે તે મરે છે, શ્રાદ્ધના દિવસો એટલે આ અટલ મૃત્યુનો વિચાર કરવાના દિવસો. મૃત્યુુને અમાંગલિક ગણીને, પિતૃઓ અને ઋષિઓને યાદ કરવાના દિવસોને પણ અમાંગલિક માની બેઠા છીએ, પરંતુ આપણી આ સમજણ ભ્રામક છે. ઊલટું શ્રાદ્ધ પક્ષમાં તો, મારે પણ મારા પિતૃઓની માફક જવાનું છે એનુ સ્મરણ કરીને સત્કૃત્યોનું ભાથું બાંધવા તત્પર થવું જોઇએ.
ત્રિવિધ ઋણમાંથી મુક્ત થવાનો આ દિવસોમાં વિચાર કરવાનો, અેટલું જ નહીં પણ આપણામાં આ સમજણ આવતાં જ તે બીજાને પણ આપવાની. શ્રદ્ધાથી થાય તે શ્રાદ્ધ, પણ આજે તો સૌ શ્રદ્ધાનું શ્રાદ્ધ કરી બેઠા છે. પરિણામે માનવજીવનના સંબંધો ભાવનાશૂન્ય, મમત્વરહિત અને યંત્રવત્ બન્યા છે. ચાર્વાક્ની પરંપરાના લોકો આજે પણ શ્રાદ્ધની મશ્કરી કરે છે, પણ તેઓ માનવજીવનનનો ખરો મર્મ સમજ્યા નથી. પશ્ચિમનાં ચશ્માંથી પૂર્વને જોનારા પૂર્વનું હૃદય શી રીતે સમજી શકે? અહીં બ્રાહ્મણોને ખવડાવેલું પિતૃઓને જો પહોંચતું હોય તો મુંબઇમાં ખાધેલું દિલ્હીમાં રહેનારને કેમ નહીં પહોંચતું હોય? એવી એમની દલીલ છે. • શાસ્રી હિમાંશુ વ્યાસ

You might also like