શારદાબહેન હોસ્પિટલમાં તબીબી સેવા કથળી હોવાની વ્યાપક ફરિયાદો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને સસ્તી આરોગ્ય સેવા પૂરી પાડવા કરોડો રૂપિયાના ખર્ચે વીએસ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલ ચલાવાય છે, પરંતુ આ હોસ્પિટલ ગરીબ દર્દીઓ માટે રાહતરૂપ બનવાને બદલે જે તે સ્થાનિક તંત્રની બેદરકારીથી મુસીબતરૂપ બનતી જાય છે. વીએસ હોસ્પિટલની બદહાલી બાદ હવે શારદાબહેન હોસ્પિટલની કથળેલી તબીબી સેવા પ્રકાશમાં આવી છે.

પૂર્વ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે શારદાબહેન હોસ્પિટલ મ્યુનિસિપલ તંત્ર દ્વારા નિભાવવામાં આવે છે. જેમાં મેડિસિન, સર્જિકલ, ઓર્થોપેડિક, ગાયનેક જેવા વિભાગ કાર્યરત છે, પરંતુ અમદાવાદમાં ટ્રાફિક અકસ્માતોનું પ્રમાણ ભયજનક રીતે વધ્યું હોવા છતાં આ હોસ્પિટલની ન્યૂરોમેડિસિન સેવા એક વર્ષથી ઠપ છે.

ગોમતીપુરના કોર્પોરેટર ઇકબાલ શેખ કહે છે કે અગાઉ માથામાં ઇજા જેેવા કેસમાં દર્દીને ન્યૂરોફિઝિશિયન તબીબની સેવાનો લાભ મળતો હતો. હવે દર્દીને અન્ય હોસ્પિટલમાં મોંઘી સારવાર લેવાની ફરજ પડાઇ રહી છે. શારદાબહેન હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે વસાવેલું સિટી સ્કેન મશીન છેલ્લા ૧ર દિવસથી બંધ પડયું છે. વોરંટી પિરિયડમાં હોવા છતાં સત્તાવાળાઓ સિટી સ્કેન મશીનને ચાલુ કરાવવાની તસ્દી લેતા નથી. અને ગરીબ દર્દીઓને ખર્ચાળ સિટી સ્કેન માટે બહાર મોકલી દે છે. તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. આ અંગે મ્યુનિસિપલ હોસ્પિટલ કમિટીના ચેરમેન ભરત પટેલને પૂછતાં તેઓ કહે છે કે શારદાબહેન હોસ્પિટલની કથળેલી તબીબી સેવાની મને કોઇ ફરિયાદ મળી નથી. તેની તપાસ કરાવીશ.

You might also like