શારદા કૌભાંડની પૂરક ચાર્જશીટમાં ચિદમ્બરમના પત્નીનું નામ દાખલ

નવી દિલ્હી : પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમની મુશ્કેલી વધારે તેવી એક ઘટનામાં સીબીઆઈએ શારદા ચીટફંડ કૌભાંડની પૂરક ચાર્જશીટમાં તેમના પત્નીનું નામ સામેલ કર્યું છે. જોકે, ગઈકાલે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં નલિનીનું નામ સાક્ષી અથવા આરોપી તરીકે નથી પરંતુ આ વિવાદાસ્પદ ચીટફંડની ચેનલ વિશે માહિતી ધરાવનાર તરીકે છે. તેમાં મુખ્યત્વે પૂર્વ કેન્દ્રીય મંત્રી મતંગ સિંહના પત્ની મનોરંજના સિંહનું નામ શારદા ગ્રૂપના ચેરમેન સુદિપ્ત સેન અને બિઝનેસમેન શાંતનુ ઘોષની સાથે સામેલ છે.

એક સમયે નલિની ચિદમ્બરમ મનોરંજના સિંહના વકીલ હતા અને શારદા કૌભાંડથી ઊભા થયેલા નાણાંમાંથી તેમની ફી ચૂકવાતી હતી. એપ્રિલ, ૨૦૧૩માં શારદા ગ્રૂપના વડા સુદિપ્ત સેને સીબીઆઈને લખેલા પત્રમાં નલિનીના નામનો ઉલ્લેખ કર્યો હતો. પત્રમાં સેને દાવો કર્યો હતો કે શારદા ગ્રૂપના નાણાંનો ઉપયોગ તેમની ફી ચૂકવવા માટે થતો હતો.

એક અખબારના અહેવાલ મુજબ તપાસકારો પાસેની બેંકિંગ માહિતી દર્શાવે છે કે જૂન, ૨૦૧૦ અને સપ્ટેમ્બર, ૨૦૧૨ વચ્ચે નલિનીને રૂ.૬૫.૮૫ લાખ ચૂકવવામાં આવ્યા હતા. પરંતુ શારદા ગ્રૂપે ફાઈલ કરાવેલી ટીડીએસની વિગતોમાં તેમને માર્ચ – જૂન ૨૦૧૧ વચ્ચે રૂ.૧.૫ કરોડ ચૂકવાયા હોવાનું દર્શાવાયું છે.

સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમની કંપનીઓ જીએનએન ઈન્ડિયા અને ગ્લોબલ ઓટોમોબાઈલ્સ સહિત સિંહ, સેન અને ઘોષ પર પ્રાઈઝ ચીટ્સ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ (પ્રતિબંધ) કાયદો (પીસીએમસી કાયદો),૧૯૭૮ની જોગવાઈઓ તથા ગુનાઈત ષડયંત્ર, છેતરપિંડી અને ગુનાઈત વિશ્વાસભંગનો આરોપ મૂકવામાં આવ્યો છે. સિંહની કંપની જીએનએન ઈન્ડિયાને શારદા ગ્રૂપ તરફથી જંગી રકમ મળી હતી તેવો આક્ષેપ છે.

You might also like