શરદ યાદવ, પ્રકાશ આંબેડકર, સીતારામ યેચુરી, બ્રિન્દા કરાત પણ ગુજરાતમાં

અમદાવાદ: ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામે એક જ દલિત પરિવારના  પિતા-પુત્રોને માર મારીને કરાયેલા અત્યાચારની ઘટના બાદ ઉનામાં રાજકીય નેતાઅોની અવરજવર વધી ગઈ છે. જેના કારણે સમઢિયાળા ગામ રાજકારણનું કેન્દ્રબિંદુ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

અાજે ડૉ. બાબાસાહેબ અાંબેડકરના પૌત્ર પ્રકાશ અાંબેડકર જેડીયુના શરદ યાદવ અને સીપીએમના બિંદ્રા કરાત, ડી.રાજા, સીતારામ યેચુરી સહિતના નેતાઅો ઉનાની મુલાકાત આવી રહ્યા છે.

અા ઘટનાના મામલે બુધવારે ગુજરાતના મુખ્યપ્રધાન અાનંદીબહેન પટેલે મુલાકાત લીધી હતી. ત્યાર બાદ ગુરુવારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મુલાકાત લીધી હતી. ત્યાર બાદ ગઈ કાલે શુક્રવારે દિલ્હીના મુખ્યપ્રધાન અને અામ અાદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પણ ઉના દોડી અાવ્યા હતા.

અા ઉપરાંત બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને અા દલિત અત્યાચારના મામલાને સંસદમાં ઉઠાવનાર માયાવતી પણ અાવતી કાલે રવિવારે ઉનાના દલિત પીડિત પરિવારની મુલાકાતે અાવે તેવી સંભાવના છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલની ઉનાની મુલાકાત બાદ અન્ય રાજકીય પક્ષોના નેતાઅો પણ ગુજરાતની મુલાકાત લેવા માટે તલપાપડ બન્યા છે.

You might also like