શરદ યાદવનાં શક્તિ પ્રદર્શનમાં મોટા માથાઓ રહ્યા હાજર

નવી દિલ્હીઃ પૂર્વ જેડીયૂ અધ્યક્ષ શરદ યાદવે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારથી નારાજ થયા બાદ ગુરૂવારે નવી દિલ્હીમાં વિપક્ષી નેતાઓનું સંમેલન બોલાવ્યું. આ સંમેલનને સાઝી વિરાસત બચાઓ નામ આપ્યું હતું. સંમેલનમાં કોંગ્રેસ ઉપાઘ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, સીતારામ યેચુરી, ગુલામ નબી આઝાદ, ફારૂક અબ્દુલ્લા સહિત વિપક્ષના કેટલાક નેતાઓ સામેલ થયા હતા.

સંમેલનની શરૂઆતમાં શરદ યાદવે કહ્યું કે, દેશભરમાં ખેડૂતો અને દલિતો સાથે અત્યાચાર થઇ રહ્યો છે. સમગ્ર દેશમાં નારાજગી બનેલી છે. શરદ યાદવે કહ્યું કે, મે કોઇને આમંત્રણ નથી આપ્યું છતા પણ હજારો લોકો મારી સાથે જોડાય રહ્યા છે.

કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમના સૌથી મોટા નેતા બ્રિટિશ સરકાર સામે યુદ્ધ કરી શક્યા નહોતા. તેમના એક નેતાએ બ્રિટિશ સરકારને પત્ર લખી જેલમાંથી મુક્ત કરવાની વાત કરી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકાર રચાયા પહેલા કહેવામાં આવ્યું હતું કે, મોદી સરકાર 2 કરોડ લોકોને રોજગારી પૂરી પાડશે, 15 લાખ આપવાનો વાયદો કર્યો હતો પરંતુ તેમણે એક પણ વાયદો પૂરો કર્યો નથી.

રાહુલ ગાંધીએ સંઘ પર પ્રહાર કરતા કહ્યું કે, આ લોકોએ તિરંગાને સલામી આપવાનું પણ સત્તા પર આવ્યા પછી શિખ્યું છે. રાહુલે કહ્યું કે, સંઘના લોકો જાણે છે કે, આ ચૂંટણી નહીં જીતી શકે એટલા માટે દરેક જગ્યાએ પોતાના લોકોને ઘુસાડી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે, આપણે એક સાથે મળીને તેમના વિરૂદ્ધ લડવું પડશે. છેલ્લા 2 વર્ષમાં 1 લાખ 20 કરોડ રૂપિયા 10-15 કરોડપતિઓના માફ કરી દેવામાં આવ્યા છે. તમિલનાડુના ખેડૂતો જંતર-મંતર જઇ નગ્ન થઇ પ્રદર્શન કરી રહ્યા છે, આખા દેશમાં ખડૂતો મરી રહ્યા છે.

રાહુલે કહ્યું કે, મોદીજી મેક ઇન ઇન્ડિયાની વાત કરી રહ્યા છે પરંતુ દરેક જગ્યાએ મેક ઇન ચાઇના જ દેખાય રહ્યું છે. રાહુલ બોલ્યા કે, જ્યારે ગુજરાતમાં તેમણે મારા પર પથ્થરો માર્યા ત્યારે મે તેમની સાથે વાત કરવા માંગી. પરંતુ પથ્થર મારનારા લોકો ભાગી ચૂક્યા.

You might also like