વર્ષના સૌથી મોટા ચંદ્રમાઃ શરદ પૂર્ણિમા

આસો સુદ પૂર્ણિમા
‘આસો સુદ પૂર્ણિમાએ રાતે લક્ષ્મીનું પૂજન કરવું અને જાગણ કરવું. તે દિવસે મધરાતે વખતે વર આપનારી લક્ષ્મી, કોણ જાગે છે?’ એમ બોલતાં બોલતાં અને ‘જે જાગતો હશે તેને ધન આપીશ’ એવો વિચાર કરી, મનુષ્યની ચેષ્ટા જોતાં જોતાં પૃથ્વીમાં ફરે છે.’
લક્ષ્મી એટલે શ્રી, શોભા! લક્ષ્મી અનેક પ્રકારની છે, વિત્ત લક્ષ્મી, સૌંદર્ય લક્ષ્મી, ભાવ લક્ષ્મી વગેરે. બધા જ પ્રકારની લક્ષ્મી જાગૃત માણસને મળે છે. આળસુ, પ્રમાદી કે ઊંઘતો માણસ પ્રત્યક્ષ સામે આવી લક્ષ્મીને પણ વધાવી શકતો નથી. તેથી જ તો સંતવાણીએ ગાયું છે કેઃ
ઉપનિષદમાં પણ કહ્યું છે કે, ઉત્તષ્ઠિત, જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોઘત ‘Arise, awake and stop not till the goal is reached’. આ વાકયમાં પહેલાં ઊઠવાનું અને પછી જાગવાનું કહ્યું છે. એનો અર્થ ઊઠયા પછી માણસને જાગવાની જરૂર છે. ઘણા ઊઠેલા માણો પણ જાગેલા હોતા નથી. ઊઠવું એ શારીરિક છે જયારે જાગવામાં માનસિક તેમજ બૌદ્ધિક જાગૃતિ અપેક્ષિત છે.
આ દિવસ નિમિત્તે કોજાગર વ્રતની કથા પ્રસિદ્ધ છે. વલિત નામનો મગધ દેશનો એક વિદ્વાન બ્રાહ્મણ પોતાના અયાચક વ્રતના કારણે નિર્ધનતાનો ભોગ બન્યો હતો. તેની નિર્ધનતાથી કંટાળી ગયેલી તેની પત્ની તેની એક પણ વાત માનતી નહીં, એટલું જ નહીં, પરંતુ પતિ જે કહે તેનાથી બરાબર ઊલટું જ વર્તન કરતી. ગણપતિ નામના તેના મિત્રે તેને સલાહ આપી કે તારે પત્ની પાસેથી જે કરાવવાની ઇચ્છા હોય તેનાથી ઊલટું જ કહેવું. વિપરીત આચરણનું વ્રત લીધેલી તારી પત્ની તું કહેશે તેનાથી ઊલટું કરશે કે જે તને મનગમતું હશે. ગણપતિની સલાહ મુજબ વલિતે ઊલટું ઊલટું બોલીને પોતાની પત્ની પાસે પોતાના પિતાનું શ્રાદ્ધ શ્રેષ્ઠ રીતે કરાવ્યું તે ઊલટું કહેવાનું ભૂલી ગયો. તેણે પિંડ ગંગામાં પધરાવળનું કહ્યું. તેની પત્નીએ પિંડ ગટરમાં નાખી દીધા. ક્ષણિક ગફલતે કામ બગાડી નાખ્યું. જીવનમાં પણ ક્ષણિક પ્રમાદ કેટલીકવાર માનવના પતનનું કારણ બની જાય છે.
શરદ પૂર્ણિમા એટલે જાગૃતિનો ઉત્સવ, વૈભવનો ઉત્સવ, આનંદનો ઉત્સવ, ઉલ્લાસનો ઉત્સવ! તે દિવસે ચંદ્ર પોતાની સોળે કળાએ ખીલે છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ તે દિવસે ચંદ્ર પૃથ્વીની વધારેમાં વધારે નજીક હોય છે. આખા વરસમાં તે દિવસનો ચંદ્ર સૌથી મોટો લાગે છે. ચોમાસાના ચાર મહિના વાદળઘેર્યા આકાશને કારણે સ્પષ્ટ ચંદ્રદર્શન ન થઇ શકવાથી પણ શરદ-પૂર્ણિમાનો ચંદ્ર વધુ આકર્ષક લાગે છે.
ચંદ્ર પાસે સુંદરતા અને શીતળતાનો સમન્વય જોવા મળે છે. કેવળ બાહ્ય સૌદર્ય કેટલીકવાર મોહક, માદક કે દાહક પણ બને છે, પરંતુ એમાં જ્યારે આંતરસૌંદર્ય ભળે ત્યારે તે શીતળ અને શાંતિદાયક બને છે. સંતો પાસે ચંદ્રની શીતળ ચાંદની જેવું સૌંદર્ય હોય છે. આપણા અતિ પાસેના અવતારો રામ અને કૃષ્ણ પાસે પણ ચંદ્ર જેવું શાંત અને પ્રસન્ન સૌંદર્ય હતું. લોકો તેમને પ્રેમથી રામચંદ્ર અને કૃષ્ણ ચંદ્ર કહેવા લાગ્યા.

You might also like