ગુજસીટોકને કેન્દ્રે પરત મોકલ્યું તે રાજ્ય સરકાર માટે શરમજનકઃ શંકરસિંહ

ગાંધીનગર: રાજ્ય સરકારના ગુજસીટોક બિલને કેન્દ્ર સરકાર દ્વારા પરત મોકલાયું છે તે બાબત ગુજરાત સરકાર માટે શરમજનક અને અપમાનજનક છે. એટલું જ નહીં આવા બિલમાં કાયદા નિષ્ણાત અધિકારીઓ પણ સરકારની હા જી હા કરીને બિલને વારંવાર મોકલી આપ્યું છે. આથી આવા કાયદા નિષ્ણાત અધિકારીઓને સસ્પેન્ડ અથવા તો નોકરીમાંથી નિવૃત્ત કરી દેવા જોઈએ તેમ વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું છે.

વાઘેલાએ આજે ગાંધીનગર ખાતે પત્રકારોને સંબોધતાં જણાવ્યું હતું કે, ‘ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ વિધેયક’ જે છેલ્લા ૧૫ વર્ષથી ગાંધીનગર-દિલ્હીના આંટાફેરા મારે છે એ બિલ ફરી સપ્રેમ ગુજરાત સરકારને રાષ્ટ્રપતિ અને કેન્દ્રના ગૃહ મંત્રાલયે પરત મોકલી આપ્યું છે. અહમ્, અભિમાનની એક મર્યાદા હોય છે. સરકાર નફફટ બનીને પોતાનો અહમ સંતોષવા માટે ફરી પણ બિલ માટે પ્રયત્ન કરવાની હોય તો ભાજપની ગુજરાતની સરકાર માટે તે શરમજનક કહેવાય, અપમાનજનક પણ કહેવાય. રાજકારણમાં હિસાબ-કિતાબ પતાવવા માટે કાયદાનો આશરો લેવો ન જોઈએ. કાયદાના નિષ્ણાત અધિકારીઓ કે જે સરકારની કરોડરજ્જુ સમાન હોય છે, જે અધિકારીઓને કાયદાની મર્યાદા, દેશનું બંધારણ, કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયની માહિતી, નાગરિક સ્વાતંત્ર્યના મુદ્દા વિગેરે ખબર હોવા છતાં તેવા લોકોએ સરકારની ખોટી હામાં હા કરીને જે બિલ અને તેમાં સુધારા સૂચવ્યા હોય, તેમની સામે પગલાં લેવા જોઈએ. આવા અધિકારીઓએ તેનો અમલ ન કરતા બહુ બહુ તો ‘મા ને બાપની વહુ’ લખીને બિલ પાછું મોકલી આપ્યું છે, આવા અધિકારીઓ કે જે ગુજરાતની પ્રજાની આબરૃ આ સરકારના માધ્યમથી ઓછી કરી રહ્યા છે તેઓને સસ્પેન્ડ કરવા જોઈએ, નોકરીમાંથી રિટાયર્ડ કરવા જોઈએ.

અમદાવાદની સાબરમતી જેલમાં સુરંગ ખોદાઈ ત્યારે શું કાયદો નહોતો? અક્ષરધામ પર હુમલો, લાલ કિલ્લા પર હુમલો, સંસદભવન પર હુમલો, પઠાણકોટ પર હુમલો થયો ત્યારે શું કાયદા નહોતા? ભાજપના આધિપત્યવાળી સરકાર હોવા છતાં આવા અનેક હુમલાઓ વખતે લોકોને બચાવી શકયા નથી અને કાયદો અને વ્યવસ્થા જાળવી શકયા નથી. ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષથી એક જ પક્ષની સરકાર, એક જ પક્ષના ગૃહ મંત્રી, એક જ પક્ષના ટેકાથી બનેલા રાષ્ટ્રપતિ, જો સુધારાવધારા સાથે બિલ પરત મોકલતા હોય અને સરકાર તેમાં ત્રાસવાદ જેવો એકાદ શબ્દ ઉમેરીને પાછું મોકલી આપે તે શરમજનક કહેવાય. ગુજરાત સરકારે હવે આ બિલને અભેરાઈ પર ચઢાવી દેવું જોઈએ તેવું હું માનું છું. આટલા કાયદા હોવા છતાં જો ખૂન, બળાત્કાર, લૂંટફાટ વગેરે બનાવો બનતા હોય ત્યારે આ બિલ કે જે એન્ટી હ્યુમન રાઈટ્સ છે તેનાથી બહુ ફરક પડવાનો છે તું હું માનતો નથી.

You might also like