ભ્રષ્ટાચાર, આર્થિક અનામતના મુદ્દા ઉઠાવાશેઃ શંકરસિંહ વાઘેલા

અમદાવાદ: વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક બાદ વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પત્રકારોને જણાવ્યું હતું કે આગામી ૨૨મી ફેબ્રુઆરી ૧૬ના રોજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું છે. તેની તૈયારીના ભાગરૃપે આજે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોની એક અગત્યની મિટિંગ બોલાવી હતી. આજની મિટિંગમાં વિધાનસભા ગૃહમાં પ્રજાના વણઉકેલ્યા અને તાજેતરના પ્રશ્નોની ધારદાર ચર્ચા કરી શકાય તેવા મહત્ત્વના મુદ્દાઓ ઉઠાવવામાં આવશે. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષ. તલાલા વિધાનસભા મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય સ્વ. જશુભાઈ બારડના દુઃખદ અવસાન અંગેનો શોક પ્રસ્તાવ કરી તેઓના પરિવાજનને દિલસોજીનો શોક સંદેશ પાઠવશે.

વાઘેલાએ જણાવ્યું હતું કે, વિધાનસભામાં રાજ્યપાલશ્રીનું પ્રવચન, ભાજપના મુદ્દા, આર્થિક અનામત અંગે પ્રાઈવેટ મેમ્બર બિલ, સૌરાષ્ટ્રમાં પીવાના પાણી અને અછતના પ્રશ્નો, રાજ્યમાં કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, ગરીબ, આદિવાસી, દલિત, બક્ષીપંચ, અન્ય પછાત વર્ગ અને ગ્રામીણ તેમજ શહેરી પ્રજાને અસર કરતાં મોંઘવારી સહિતના અનેક મુદ્દાઓને વિધાનસભા ગૃહમાં ઈસ્યુ બેઈઝ સ્ટ્રેટજી બનાવીએ ઉઠાવીશું. સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બજેટ સત્ર અગાઉ વિવિધ સમાજો અને વિસ્તારોના પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરીને વિધાનસભા ગૃહમાં પ્રશ્નો રજૂ કરવામાં આવશે.

તાજેતરમાં ગુજરાત વિધાનસભા ગાંધીનગર ખાતે યોજાયેલ ઓલ ઈન્ડિયા સ્પીકર કોન્ફરન્સમાં લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજનની ઉપસ્થિતિમાં દરેક રાજ્યોમાં વિધાનસભાનું  સત્ર ૬૦ દિવસ બોલાવવું જોઈએ તેવો ઠરાવ કરેલ હોવા છતાં ગુજરાતની ભાજપ સરકારે તેમ નહીં કરીને માત્ર ૨૮ બેઠકો અને ૨૬ દિવસનું સત્ર બોલાવેલ છે, જે ગત વિધાનસભાના બજેટ સત્ર કરતાં પણ એક દિવસ ઓછું બોલાવીને પ્રજાના સામાજિક-આર્થિક પ્રશ્નોની રજૂઆતો અંગોને અવકાશ ઘટાડ્યો છે. વિધાનસભાનું બજેટ સત્ર ઓછામાં ઓછું ૪૦ દિવસનું કરવામાં આવે તેવી પણ ઉગ્ર રજૂઆત કરીશું.

આ મિટિંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિરોધપક્ષના નેતા અર્જુનભાઈ મોઠવાડિયાએ પણ ઉપસ્થિત રહી ધારાસભ્યોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

You might also like