શંકરસિંહ વાઘેલા 29મીએ અમદાવાદમાં NCPમાં જોડાશે

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: જનવિકલ્પ મોરચાના અધ્યક્ષ અને રાજ્યના કદાવર નેેતા શંકરસિંહ વાઘેલા આગામી તા.ર૯ જાન્યુઆરીએ એનસીપીમાં જોડાવાના છે. આ અંગે લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે. ખુદ એનસીપીના ગુજરાત પ્રમુખ જયંત પટેલે આ બાબતને સમર્થન આપ્યું છે.

રાજ્યના રાજકારણમાં દાયકાઓથી શંકરસિંહ વાઘેલા ઉર્ફે બાપુનું ઓછા વત્તે અંશે વર્ચસ્વ રહ્યું છે. છેક જનસંઘના સમયથી અને ત્યારબાદ ભાજપના અગ્રણી નેતા રહ્યા બાદ શંકરસિંહ વાઘેલાએ ભાજપમાં બળવો પોકારી કોંગ્રેસના સમર્થનથી રાજ્યના મુખ્યપ્રધાન પણ બન્યા હતા. તેમણે કોંગ્રેસ વતી વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકેનું પણ નેતૃત્વ કર્યું હતું.

ત્યારબાદ કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે મતભેદ થતા તેમણે વિધાનસભાની ર૦૧૭ની ચૂંટણી પહેલાં કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. છેલ્લી ર૦૧૭ની વિધાનસભામાં ચૂંટણીમાં તેમણે જનવિકલ્પ મોરચાનાં બેનર હેઠળ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું પરંતુ શંકરસિંહ વાઘેલાના એક પણ ઉમેદવારને ચૂંટણીમાં જીત મળી ન હતી.

હવે શંકરસિંહ વાઘેલાએ લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે એનસીપીમાં જોડાવાનો નિર્ણય કર્યો હોવાના અહેવાલથી રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આ અંગે એનસીપીના ગુજરાત પ્રમુખ જયંત પટેલ ઉર્ફે બોસ્કીને પૂછતાં તેઓ કહે છે, પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ સહિતના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં શંકરસિંહ વાઘેલા આગામી તા.ર૯ જાન્યુઆરીએ પક્ષમાં જોડાઇ રહ્યા છે.

આ માટેનો કાર્યક્રમ અમદાવાદમાં યોજાશે. જોકે આ અંગે શંકરસિંહ વાઘેલાનો સંપર્ક થઇ શક્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જનવિકલ્પ મોરચાના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ એનસીપીના સુપ્રીમો શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. તે દરમ્યાન આ બંને નેતાઓ વચ્ચે મહાગઠબંધન બાબતે ચર્ચા થઇ હતી.

શરદ પવાર સાથેની મુલાકાત બાદ શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે, ભાજપની સામે મહાગઠબંધનને મજબૂત બનાવવાના સંકલ્પ સાથે એનસીપી પ્રમુખ શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ સાથે મુલાકાત થઇ આગામી ચૂંટણીમાં ભાજપને કેન્દ્રમાં સત્તાસ્થાને આવતી રોકવાના ઉદ્દેશ્યથી મહાગઠબંધનના તમામ પ્રયાસો કરાશે. તેઓ શહેરની એક ફાઇવસ્ટાર હોટલમાં યોજાનારા સમારંભમાં એનસીપીમાં જોડાય તેવી પણ શક્યતા છે.

You might also like