બા રિટાયર્ડ થાય છે, બાપુ રિટાયર્ડ થતા નથી

અમદાવાદ: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા પોતાના ૭૮મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગરના ટાઉન હોલ સામેના મેદાનમાં આજે બપોરે યોજાનારા સ્નેહમિલન કાર્યક્રમમાં પક્ષ સામે બળવો કરવાના મૂડમાં છે. ગાંધીનગરના વાસણિયા મહાદેવ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટપણે બગાવતનો સૂર આલાપ્યો હતો. કોંગ્રેસ દ્વારા જન્મદિવસના કાર્યક્રમમાં હાજર રહેવા સામે પક્ષના ધારાસભ્યો અને આગેવાનો પર મુકાયેલા પ્રતિબંધ સામે તેમને પૂછવામાં આવતાં તેઓએ હુંકાર ભણતાં કહ્યું કે, પક્ષ નહીં પણ હું કાર્યવાહી કરીશ. આની સાથે સાથે તેમણે એમ પણ જણાવ્યું કે, આજે ભૂકંપ તો નહીં આવે, ભૂકંપ સારો નથી હોતો પરંતુ આજનો દિવસ ઐતિહાસિક હશે.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થતાં કોંગ્રેસી છાવણીમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. પક્ષના ૧૧ બળવાખોર ધારાસભ્યની ખોજખબર થઇ રહી છે. આ સંજોગોમાં આજના શંકરસિંહ વાઘેલાના જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમથી પણ કોંગ્રેસ હાઇકમાન્ડ ઉચાટમાં છે. પક્ષના ધારાસભ્યો અને આગેવાનોને આ કાર્યક્રમથી દૂર રહેવાની તાકીદ કરાઇ છે.

બીજી તરફ શંકરસિંહ વાઘેલા આજનાં સંમેલનમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપશે તેવી ચર્ચાની સાથે સાથે તેઓ રાજકારણમાંથી નિવૃત્તિ લે તેવી પણ અટકળો થઇ રહી હતી. દરમ્યાન વાસણિયા મહાદેવ સાથે પત્રકારો સાથેની વાતચીતમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ રાજકીય કાર્યક્રમ નથી. આ સંમેલનમાં જેની મરજી હોય તે આવી શકે છે. આ સંમેલન પહેલેથી જ નક્કી હતું. તેને રાષ્ટ્રપતિની ચૂંટણી કે રાજ્યસભાની ચૂંટણી સાથે કોઇ સંબંધ નથી. કોંગ્રેસે પ્રજા તરફથી ધારાસભ્યોને સંમેલનમાં નહીં જવા આદેશ આપ્યા છે તે અંગે શંકરસિંહે જણાવ્યું હતું કે પ્રજાને રોકવાનો હક્ક છે. પ્રજાના લોકોને પણ આવવું કે નહીં તેનો નિર્ણય કરવાનો અધિકાર છે. કોઇ બોન્ડેડ લેબર તો છે નહીં દુનિયાની કઇ એવી લોકશાહી છે જેમાં વિચારો પર પ્રતિબંધ હોય? રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ અંગે તેમણે જણાવ્યું કે તેનો નિર્ણય પક્ષે કરવાનો છે. તમે વરિષ્ઠ નેતા છો એટલે તમારી સામે કાર્યવાહી નથી કરાઇ તેવા કોંગ્રસના કેટલાંક નેતાનાં નિવેદન અંગે પૂછતાં તેમણે કહ્યું કે કાર્યવાહી હું કરીશ.

શું તમે રાજકારણમાંથી નિવૃત્ત થવાના છો? તેવા પ્રશ્નના જવાબમાં તેમણે હસતાં હસતાં કહ્યું કે ‘બા રિટાયર્ડ થાય છે પણ બાપુ રિટાયર્ડ થતા નથી’ આજનું સંમેલન રાજકારણમાં ભૂકંપ લાવશે? તેવા પ્રશ્નના ઉત્તરમાં શંકરસિંહે જણાવ્યું કે ભૂકંપ નહીં આવે, ભૂકંપ સારો પણ નહીં જો કે આજનું સંમેલન ઐતિહાસિક જરૂર હશે.

શંકરસિંહે અાજે સવારે રુદ્રાભિષેક કરીને મહાદેવને બીલીપત્ર પણ ચડાવ્યા હતા. પૂજા-અર્ચના બાદ બાપુએ જણાવ્યું હતું કે હું ભોળાનાથના દર્શન માટે અવારનવાર અાવતો રહંુ છું. અા દુનિયાને શંકરનું સ્વરૂપ કેવું રહેશે તે બે વાગે ખબર પડશે.
http://sambhaavnews.com/

You might also like