ભરતસિંહ-શંકરસિંહ મળ્યાઃ ‘વસંત વગડાે’માં ચા-કેરીની મિજબાની માણી

અમદાવાદ: કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અશોક ગહેલોતની મે મહિનામાં યોજાયેલી ગુજરાત મુલાકાત દરમિયાન તેમના સ્વાગતઅર્થે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે લગાવેલા બોર્ડમાં પક્ષના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની તસવીરની બાદબાકીનો વિવાદ હજુ શમ્યો નથી અને ફરી એક વખત શંકરસિંહ વાઘેલાની બાદબાકી કરાઇ હોવાના સમાચારથી નવો વિવાદ ઊઠયો છે.

યુવક કોંગ્રેસના આગામી તા.૯ જૂને ગુજરાત યુનિવર્સિટી કોન્વેન્શન હોલમાં યોજાનારા સ્નેહમિલન કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલાની બાદબાકી કરાતા કોંગ્રેસમાં વિવિધ અટકળો ઊઠતાં આજે સવારે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાન વસંત વગડોમાં જઇને મુલાકાત કરી હતી.તા.૯ જૂને ગુજરાત યુનિવર્સિટી કોન્વેન્શન હોલમાં યોજાનારા આ સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ, પ્રદેશ પ્રભારી અશોક ગહેલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી વગેરે દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. સ્નેહમિલન કાર્યક્રમની પત્રિકામાંથી પણ શંકરસિંહ વાઘેલાના નામોલ્લેખ નથી. જેના કારણે તેમની ફરીથી બાદબાકી કરાઇ તેવી અટકળો ઊઠી છે.

આ અંગે યુવક કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતને પૂછતાં તેઓ ખુલાસો કરતાં કહે છે, પક્ષના વરિષ્ઠ આગેવાનોને સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહેવા નિમંત્રણ આપવાની જવાબદારી ધારાસભ્ય શૈલેષ પરમારને સોંપાઇ હતી. તેઓ શંકરસિંહ બાપુને આ સંદર્ભ રૂબરૂ મળ્યા હતા તે વખતે શંકરસિંહે ૯ જૂને પોતે અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોઇ સ્નેહમિલનમાં હાજર નહીં રહી શકે તેમ શૈલેષભાઇએ જણાવ્યું હતું. એટલે નિમંત્રણ પત્રિકામાં તેમનો નામોલ્લેખ કરાયો નથી. આજે સવારે ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાન વસંત વેગડોમાં જઇ પહોંચ્યા હતા. બંને નેતાઓએ ચા ઉપરાંત કેરીની મજા માણી હતી. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી કહે છે, “અમારી વચ્ચે ૩૦ મિનિટ બેઠક ચાલી હતી. તેમની નારાજગીની વાત માત્ર અફવા છે. યુવક કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમના દિવસે તેઓ જો ગાંધીનગરમાં હાજર હશે તો ચોકકસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.”
http://sambhaavnews.com/

You might also like